રાજકોટ: આજે 7 ઓકટોબર 2001ના એક ઐતિહાસિક દિવસને 23 વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા. ત્યારે આજે એ પણ યાદ કરાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા બાદ તેમની સંસદીય કારકિર્દી રાજકોટથી શરૂ કરી હતી.ગુજરાતના રાજકારણમાં એ સમયે જબરી ઉથલ-પાથલ મચી હતી. મુદ્દો હતો કે મોદી કઈ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. અંતે રાજકોટ – 2( પશ્ચિમ ) બેઠક ઉપરથી વજુભાઈ વાળાએ રાજીનામું આપી મોદી માટે બેઠક ખાલી કરી આપી હતી. ફેબ્રુઆરી 2002માં આ બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ અને નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ઝુકાવ્યું. તેમની સામે કોંગ્રેસે સહકારી આગેવાન અશ્વિન મહેતાને લડાવ્યા. રસાકસી વચ્ચે મોદી 14,728 મતથી વિજેતા બન્યા હતા.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)