તાજમહલ જોવાનું 10 રૂપિયા મોંઘું થયું; સ્મારક નિહાળવા વ્યક્તિ દીઠ ત્રણ કલાકનો સમય

0
1755

આગરા – વિશ્વમાં સૌથી સુંદર એવા સાત સ્થળોની યાદીમાં જેને સ્થાન આપવામાં આવ્યું છે તે આગરાના તાજમહલને નિહાળવાનું કેન્દ્ર સરકારે મોંઘું કરી દીધું છે.

આવતી 1 એપ્રિલથી તાજમહલને નિહાળવાનું 10 રૂપિયા મોઘું થશે. સ્મારકમાં પ્રવેશ માટે રૂ. 40ને બદલે રૂ. 50ની એન્ટ્રી ફી લેવાની સરકારે જાહેરાત કરી છે. તાજમહલની અંદરનો મુખ્ય મકબરો જોવા માટે રૂ. 200ની અતિરિક્ત ફી ચૂકવવાની રહેશે. ફી-વધારો માત્ર સ્થાનિક પર્યટકો માટે જ છે, વિદેશી પર્યટકો માટે નહીં.
વિદેશી પર્યટકો માટે તાજમહલ જોવા માટેની ફી રૂ. 1,250 છે.

વધુમાં, આ પ્રસિદ્ધ સ્મારકમાં ફરવા માટે એક ટિકિટ પર વ્યક્તિને માત્ર ત્રણ કલાક સુધી રહેવાની પરવાનગી રહેશે.

કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન મહેશ શર્માનું કહેવું છે કે અમે મહેસુલી આવક વધારવા માટે એન્ટ્રી ફીમાં વધારો નથી કર્યો, પરંતુ તાજમહલના રક્ષણ માટેનું સમારકામ ચાલુ રાખી શકાય એ માટે પૈસાની જરૂર હોવાથી આ ફી વધારો કર્યો છે.

તાજમહલમાં મુલાકાતીઓની ભીડ જમા ન થાય એ માટે પ્રત્યેક મુલાકાતી માટે તાજમહલની અંદર ઘૂમવા માટે ત્રણ કલાકના સમયનું નિયંત્રણ રાખવામાં આવ્યું છે. આ અમલ નેશનલ એન્વાયરન્મેન્ટ એન્જિનીયરિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી ભલામણને આધારે કરાયો છે.

ટિકિટોનો દુરુપયોગ ટાળવા માટે નવી ટિકિટો પર બાર કોડ્સ રાખવામાં આવશે. નોર્મલ એન્ટ્રી ટિકિટ ઉપરાંત જે લોકો રૂ. 200ની સ્પેશિયલ ટિકિટ ખરીદશે એમને મુખ્ય મકબરામાં પ્રવેશ આપવામાં દેવામાં આવશે.