હનીપ્રીતની ઘટનામાં નવો વળાંક, દિલ્હીમાં છુપાઈ હોવાની આશંકાને પગલે દરોડા

0
5010

નવી દિલ્હી- જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામરહીમની ખાસ ગણાતી હનીપ્રીતને શોધવા પોલીસ સતત મહેનત કરી રહી છે. જોકે હજી સુધી હનીપ્રીત અંગે ચોક્કસ માહિતી મળી નથી. હવે હરિયાણા પોલીસે હનીપ્રીતને શોધવા વધુ પ્રયાસ હાથ ધર્યા છે. હરિયાણા પોલીસને આશંકા છે કે, હનીપ્રીત દિલ્હીમાં છુપાયેલી છે. જેને પગલે હરિયાણા પોલીસે દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં દરોડા પાડ્યાં છે. જોકે ત્યાં પણ પોલીસને કોઈ સફળતા મશી નથી.

દરમિયાન હનીપ્રીતે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. જે અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ડેરા પ્રવક્તા આદિત્યા ઈંસા અને પવન ઈંસા વિરુદ્ધ પણ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ ઓક્ટોબર અંત સુધી માન્ય ગણાશે. જો ત્યાં સુધીમાં આરોપી નહીં પકડાય તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે. અને તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રામરહીમને પકડવામાં પોલીસને સફળતા મળી અને હનીપ્રીત ફરાર છે, જેને લઈને પણ અનેક તર્કવિતર્ક સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ હનીપ્રીત ભાગી ન હતી પરંતુ તેને ભગાડવામાં આવી હતી. કારણકે તે ડેરા સચ્ચા સૌદાના અનેક રહસ્યો જાણે છે. જો હનીપ્રીત પોલીસના હાથમાં આવે તો અનેક રહસ્યો ઉપરથી પડદો ઉંચકાશે. તો કેટલાક લોકો એવું પણ માને છે કે, હનીપ્રીત ક્યાંય ભાગી નથી પરંતુ ડેરાના જ લોકોએ તેને બંધક બનાવી છે.

સૂત્રોનું માનીએ તો, હનીપ્રીત પાસે રામરહીમ ઉપરાંત અનેક રાજકીય નેતાઓ સાથે જોડાયેલાં રહસ્યો સંકળાયેલાં છે. પોતાની પોલ ખુલે નહીં તેના ડરથી જ હનીપ્રીતને ગાયબ કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ લોકોથી બચવા હનીપ્રીતે આગોતરા જામીન માટે અરજી કરી હોવાનું માનવામાં આવે છે. જો કોર્ટ હનીપ્રીતની અરજીને સ્વીકારે તો શક્ય છે કે, તેને વચગાળાના જામીન મળી શકે.