ટેરર હુમલાની સંભાવનાઃ અયોધ્યામાં હાઈ એલર્ટ ઘોષિત

અયોધ્યા (ઉ.પ્ર.) – આ પવિત્ર યાત્રાધામ શહેરમાં ત્રાસવાદીઓ તરફથી હુમલો થવાની સંભાવના ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ હાઈ એલર્ટ ઘોષિત કર્યું છે અને સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે.

ત્રાસવાદી હુમલાની સંભાવના હોવા અંગે ગુપ્તચર વિભાગ તરફથી માહિતી આપવામાં આવી હતી.

ટોચના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ગુપ્તચર વિભાગ તરફથી એવી માહિતી મળી છે કે અયોધ્યામાં હુમલો કરવા માટે ત્રાસવાદીઓ કદાચ નેપાળ માર્ગે ઉત્તર પ્રદેશમાં ઘૂસે એવી સંભાવના છે.

અયોધ્યામાં આવતી તમામ ટ્રેનો અને બસોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ હોટેલ્સ, લોજ તથા ગેસ્ટ હાઉસો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

અયોધ્યામાં 2005માં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના કેસમાં આવતી 18 જૂને અદાલત ચુકાદો આપવાની હોવાથી સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2005ની પાંચ જૂને અયોધ્યામાં એક ત્રાસવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો ણઅને પાંચ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તે કેસમાં ચાર કશ્મીરી ત્રાસવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એમના 18 સંસદસભ્યોની સાથે 16 જૂને અયોધ્યાની મુલાકાતે આવી રહ્યા છે.