મુંબઈમાં બાળાસાહેબ ઠાકરેના સ્મારકના નિર્માણ માટે રૂ. 100 કરોડનું ભંડોળ મંજૂર

મુંબઈ – આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સત્તામાં પોતાના ભાગીદાર પક્ષ શિવસેનાને રાજી રાખવા માટે કેન્દ્ર તેમજ મહારાષ્ટ્રની શાસક ભારતીય જનતા પાર્ટીએ મુંબઈમાં શિવસેનાનાં સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરેના સ્મારકનાં નિર્માણ માટે રૂ. 100 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.

મહારાષ્ટ્રના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે આજે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ અને તેના સહયોગી શિવસેના વચ્ચેના સંબંધો મધુર હતા છે અને રહેશે.

મુનગંટીવારે એમ પણ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે બંને પાર્ટી વચ્ચે યુતી થવાનાં ઉજળાં સંજોગો છે, કારણ કે આ યુતી જળવાઈ રહે એની ભાજપ હંમેશાં તરફેણમાં રહ્યો છે.

ભાજપના સિનિયર નેતા મુનગંટીવારે કહ્યું કે સ્વ. બાળાસાહેબ ઠાકરે માત્ર શિવસેનાનાં જ નેતા હતા એવું નથી, એ આ યુતીનાં નેતા હતા. બાળાસાહેબ તો તમામ રાજકીય પક્ષો માટે ઉચ્ચ મહત્ત્વના વ્યક્તિ તરીકે કાયમ રહેશે. તેથી આજની કેબિનેટે એમના સ્મારક માટે રૂ. 100 કરોડનું ભંડોળ મંજૂર કરી દીધું છે, જે યુવાઓને પ્રેરિત કરશે.

મેમોરિયલ માટેનું ભંડોળ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) પૂરા પાડશે અને તે રકમ બરાબર ઉપલબ્ધ થાય તેની ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર કાળજી રાખશે.

શિવસેના કેન્દ્ર તથા મહારાષ્ટ્રમાં ભાજપનું સહયોગી છે, પરંતુ છેલ્લા કેટલાક વખતથી બંને વચ્ચેના સંબંધ વણસ્યા છે. શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તથા અન્ય નેતા ભાજપની આકરી ટીકા કરતાં રહ્યાં છે.

ઉદ્ધવે તો ગયા વર્ષે એવી જાહેરાત પણ કરી દીધી હતી કે ભવિષ્યની ચૂંટણીમાં શિવસેના એકલે હાથે ચૂંટણી લડશે.

બાલ ઠાકરેનું સ્મારક મધ્ય મુંબઈના દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં સ્થાપવામાં આવશે, જ્યાં અગાઉ મુંબઈના મેયરનો બંગલો હતો. આ એરિયા 11,500 સ્ક્વેર મીટરનો છે. આ સમગ્ર પ્લોટ ગયા વર્ષે બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક ન્યાસ (ટ્રસ્ટ)ને સુપરત કરવામાં આવ્યો હતો. એ સાથે જ એમનું સ્મારક સ્થાપવા માટેનો માર્ગ મોકળો થયો હતો.