પાકિસ્તાનમાં પાણીની ભયંકર તંગીના અણસાર, પાકે. ભારતને ગણાવ્યું જવાબદાર

ઈસ્લામાબાદ- આગામી વર્ષોમાં પાકિસ્તાનમાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના રીસર્ચમાં આ પ્રકારનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2025 સુધીમાં પાકિસ્તાનમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો બીજી તરફ પાકિસ્તાને આ સંકટની સમસ્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના અખબારોમાં હાલમાં આ મુદ્દો આ ચર્ચાનો વિષય બન્યો છે.પાકિસ્તાનના જાણીતા ઉર્દૂ અખબારે લખ્યું છે કે, જળ વિશેષજ્ઞો પાકિસ્તાનમાં વધી રહેલી પાણીની તંગી અને તેના લીધે ભવિષ્યમાં ઉદભવનારી ગંભીર સમસ્યા અંગે સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સરકારનું વલણ આ બાબતે અત્યંત ઢીલું છે. અખબારમાં લખવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય નદીઓના પાણીમાંથી પાકિસ્તાનનો કાયદેસરનો હિસ્સો લેવા માટે પક્ષ રજૂ કરવામાં સરકાર નિષ્ફળ પુરવાર થઈ છે ઉપરાંત નવા જળાશયોના નિર્માણમાં પણ બેદરકારી ભર્યું વલણ દાખવવામાં આવ્યું છે.

પાકિસ્તાની અખબારે IMFના અહેવાલનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, વર્ષ 1990થી કોઈ પણ સ્તરે જળસંચય અંગે કોઈ યોજના તૈયાર કરવામાં આવી નથી. અખબારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતને આ અહેવાલમાં સામેલ અન્ય કારણો ઉપર પણ ધ્યાન આપવા જણાવ્યું છે. જેના કારણે પાકિસ્તાનમાં પાણીની અછત ગંભીર કટોકટીમાં પરિણમી રહી છે.

પાકિસ્તાનના અન્ય એક અખબારે જણાવ્યું છે કે, વિશ્વના ઘણા ભાગોમાં પીવાના પાણી સમસ્યા છે અને જો પાણી છે તો તે પ્રદૂષિત છે. અખબારના જણાવ્યા મુજબ પાકિસ્તાનનું 80 ટકા પાણી દૂષિત છે અને આગામી સમયમાં પાકિસ્તાનમાં પાણીની સમસ્યા વિકરાળ રુપ ધારણ કરી શકે છે.

પાકિસ્તાની અખબારે ભારત પર સિંધુ જળ સંધિનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે. આપને જણાવી દઈએ કે, ગત દિવસોમાં પાકિસ્તાનના એટોર્ની જનરલના નેતૃત્વમાં ચાર સદસ્યોનું એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ ભારતના કિશનગંગા પ્રોજેક્ટ અને બન્ને દેશો વચ્ચે થયેલી જળ સંધી મુદ્દે વિશ્વબેન્ક સાથે બેઠક પણ યોજી ચુક્યું છે.