પાક.નું નવું નાટક: જાધવની પત્નીના જૂતામાં શંકાસ્પદ વસ્તુનો આક્ષેપ

ઈસ્લામાબાદ- પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને તેની પત્ની સાથે મુલાકાત દરમિયાન જે અમાનવીય વ્યવહાર કર્યો તેના પર ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ભારતની નારાજગી બાદ પાકિસ્તાન તેના જૂઠને છૂપાવા વધુ જૂઠનો સહારો લઈ રહ્યું છે. કુલભૂષણ જાધવ સાથે મુલાકાત પહેલાં પાકિસ્તાને જાધવના પત્નીના જૂતા પણ ઉતરાવી દીધાં અને જપ્ત કરી લીધા હતાં.

પોતાનો પાંગળો બચાવ કરતાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, જાધવની પત્નીના જૂતા એટલા માટે ઉતરાવ્યાં કારણ કે, તેમાં કંઈક શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાઈ આવ્યું હતું. જૂતામાં શું હતું તેની તપાસ માટે જાધવની પત્નીનાં જૂતાને ફોરેન્સિક લેબમાં મોકવામાં આવ્યાં છે. બીજી તરફ પાકિસ્તાની મીડિયાના દુર્વ્યવહારથી પણ જાધવની માતા અને પત્ની પરેશાન થયાં હતાં.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, કુલભૂષણ જાધવની પત્નીના જૂતામાં શું હતું તેની તપાસ ચાલી રહી છે. અમે તેના જૂતા જપ્ત કર્યાં તેના બદલામાં તેમને એક જોડી નવા જૂતા આપવામાં આવ્યાં હતાં. તેમની જે જ્વેલરી અને અન્ય વસ્તુઓ લેવામાં આવી હતી તે પણ મુલાકાત બાદ પરત આપી દેવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, મુલાકાત સમયે કુલભૂષણ જાધવ, તેમના માતા અને પત્નીની વચ્ચે પાકિસ્તાને કાચની દીવાલ ઉભી કરી હતી. ઉપરાંત તેમને મરાઠીમાં વાત કરવાની મંજૂરી આપી ન હતી. મુલાકાત પહેલાં પાકિસ્તાની અધિકારીઓએ બન્નેની બંગડીઓ, બિંદી અને મંગળસૂત્ર પણ જપ્ત કર્યાં હતાં. બન્નેના કપડાં પણ બદલાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જ્યારે બન્ને કુલભૂષણ સાથે મુલાકાત કરી બહાર આવ્યાં ત્યારે પાકિસ્તાની મીડિયાએ તેમની સાથે અપમાનજનક વર્તન કર્યું હતું.