નોર્થ કોરિયાની નવી મિસાઈલ રેન્જમાં અમેરિકા, એક્શનના મૂડમાં ડોનાલ્ડ ટ્રમ્પ

પ્યોંગયાંગ- નોર્થ કોરિયાએ તમામ વૈશ્વિક ચેતવણીને અવગણીને ફરી એકવાર મિસાઈલ પરિક્ષણ કર્યું છે. સૂત્રોનું માનીએ તો, જ્યારે નોર્થ કોરિયાની મિસાઈલ હવામાં હતી ત્યારે જ અમેરિકાના અધિકારીઓએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને તેની માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ નોર્થ કોરિયાની આ મિસાઈલ રેન્જમાં અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા પણ આવી જશે.

નોર્થ કોરિયાના હાલના મિસાઈલ ટેસ્ટ બાદ જાણકારોનું માનવું છે કે, આ અત્યાર સુધીનું નોર્થ કોરિયનું સૌથી શક્તિશાળી મિસાઈલ હોઈ શકે છે. આ મિસાઈલ બાદ પરમાણૂ હથિયાર ધરાવતા નોર્થ કોરિયાની તાકાત વધારે વધી જશે.

નોર્થ કોરિયાએ પરિક્ષણ કરેલું મિસાઈલ અંદાજે 50 મિનિટ હવામાં રહ્યું અને મિસાઈલે 1 હજાર કિમીનું અંતર કાપ્યું હતું. ત્યારબાદ મિસાઈલ જાપાનના સમુદ્રમાં ખાબક્યું હતું. મિસાઈલ પરિક્ષણ બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેને સ્થિતિ અંગે માહિતી છે અને તેઓ તે મુજબ નિર્ણય કરશે.

આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાએ આશરે અઢી મહિના બાદ તેના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી મિસાઈલનું જાપાન સાગરમાં પરિક્ષણ કર્યું હતું. આ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં વોશિંગ્ટન સહિત અમેરિકાના સમુદ્રનો પૂર્વ વિસ્તાર પણ આવી જશે.