પાકિસ્તાન પર થયો સાયબર હુમલો, મોટાભાગની બેંકોનો ડેટા ચોરી થયો

0
643

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન પર સૌથી મોટો સાયબર હુમલો થયો છે. પાકિસ્તાની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ઘટસ્ફોટ કર્યો છે કે તાજેતરમાં એક મોટો સુરક્ષા ઘેરો તોડવાની ઘટનામાં દેશની મોટાભાગની બેન્કોનો ડેટા ચોરી લેવાયો હતો.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, આવા જ એક અન્ય હુમલામાં પાકિસ્તાની નાગરિકોનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો એક ડાર્ક વેબ ઉપર રિલીઝ કરી દેવાઈ હતી. આ કારણે કેટલીક બેન્કોએ ડેબીટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા મોટાભાગના ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બ્લોક કરી દીધા હતા.

એફઆઈએએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં બેન્ક એકાઉન્ટનો ડાટા ચોરી કરવાની 100થી વધુ ઘટનાઓ નોંધાઈ છે, જેની ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી છે. ફરિયાદ બાદ કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સાયબર હુમલાના સંદર્ભમાં એફાઈએ દ્વારા કેટલાક બેન્ક અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

બેન્કોની સુરક્ષામાં છેદ પાડતી આ ગેન્ગના મોટાભાગના સભ્યોને એફઆઈએ દ્વારા ગત સપ્તાહે પકડી પાડવામાં આવ્યા છે. તેઓ પાકિસ્તાની લશ્કરી અધિકારીઓનો વેશ ધારણ કરીને એકાઉન્ટ ધારકોના ચોરેલા ડેટાની મદદથી બેન્કોમાંથી નાણા ઉપડતા હતા.