મશીનના ખેલંદાઓ વિદ્યાર્થીઓને શબ્દના પરખંદા બનાવવા ઉત્તમ પ્રયાસ

0
516

અમદાવાદઃ શહેરની ખ્યાતનામ L. D. College Of Engineering દ્વારા ટૅકનિકલ ક્ષેત્રે સાહિત્ય સર્જનને પ્રોત્સાહન આપવા અને ભાષા વૈવિધ્યને વધુને વધુ લોકોના મનમાં પીરસવાના ઉદ્દેશથી “સાહિત્ય સરિતા” નામના ત્રિદિવસીય સાહિત્યોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

22,23,24 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત આ સાહિત્ય સરિતાનું ઉદ્દઘાટન બ્રહમવિહારી સ્વામી અને અક્ષરવત્સલ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ વડોદરિયાના સ્વાગત પ્રવચનથી આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. પ્રિન્સિપાલે એન્જીનિયરિંગ કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને અનુલક્ષીને કવિતા રજૂ કરી હતી.

આ દિવસનો બીજો સેશન હતો ‘ મારી કાયમી ભીનાશનું કારણ. ‘ જેમાં સૌમ્ય જોશીએ તેમની કવિતાઓનું પઠન કર્યું હતું. મરીઝના જન્મદિવસે તેમણે મરીઝ સાહેબને યાદ કરીને કહ્યું હતું કે મરીઝનું સર્જન એ ઊંડાણવાળું હતું કે એવું કહી શકાય કે ‘ મરીઝ એ ગુજરાતનાં ગાલીબ નહીં પરંતુ ગાલીબ એ ઉર્દૂના મરીઝ છે. ‘ તેમની કવિતાઓ જેવી કે મુનીરા, કૂતરો, હું વેણુ ગોપાલ, કેટલાક તડકા ઘણાં આકરા હોય છે, વગેરે કવિતાઓ એ સમાજના નગ્ન સત્ય લોકો સમક્ષ મૂક્યાં હતાં.

વિવિધ સ્પર્ધાઓ જેવીકે ટહુકો અને કવિઝમાં લગભગ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે સાંજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિવિધ ટેકનિકલ કૉલેજના શિક્ષકમિત્રોએ તેમની કવિતાનું પઠન કર્યું હતું. ટીચર્સ કોર્નર નામની આ ઇવેન્ટમાં આશરે ૫ જેટલી વિવિધ કૉલેજના શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો. તેમણે સમાજ , સાહિત્ય અને ઇજનેરી ક્ષેત્રને અનુલક્ષીને વિવિધ સુંદર કવિતાઓનું પઠન કર્યું હતું.

ત્યાર બાદ ગુજરાતી સિનેમાનાં  ખ્યાતનામ લેખક અને ગીતકાર નીરેન ભટ્ટે  screenplay writing પર વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી મુદ્દાઓ શીખવ્યા હતાં જેમકે વાર્તા , કેરેક્ટર બનાવવા તેમની પાછળનો ભાવ અને અગત્યના મુદ્દાઓ ઉપર વર્કશોપ લીધો હતો.

નીરેન ભટ્ટે તેમની ઇજનેરીથી લઇને એક કવી, ગીતકાર અને વાર્તાકાર તરીકેની યાત્રા ઉપર ખૂબ જ રસપ્રદ વાતો અને કિસ્સાઓ કહ્યા હતાં. સપ્તકના સંચાલિકા મંજુબહેન મહેતાએ સિતારના સૂરો રેલાવ્યાં હતાં. તેમની સંપૂર્ણ ટીમ સાથે તેમને શાસ્ત્રીય સંગીતની મહેફિલ જમાવી હતી અને સાહિત્ય સરિતાના પ્રથમ દિવસનું સૂરીલું સમાપન કર્યું હતું.