ગુજરાત ટુરિઝમે કર્યો પ્રવાસીઓને આકર્ષવા આ પ્રયાસ, પરંતુ…

ગાંધીનગરઃ ગુજરાતનું વેપાર વાણિજ્યથી ધમધમતું શહેર એટલે અમદાવાદ. સાથે જ આ શહેર હવે વિશ્વમાં હેરિટેજ સિટી તરીકે પણ નામના મેળવી ચૂક્યું છે. વાયબ્રન્ટ ગુજરાતની શરુઆત પછી નવરાત્રિ અને ઉત્તરાયણના ઉત્સવોમાં દેશ-વિદેશના અનેક લોકો રાજ્યના મુલાકાતી બન્યા છે. ઉત્સુકતા સાથે પ્રવાસીઓ પણ વધી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ પ્રવાસનને વેગ મળે તેવા પૂરતા પ્રયત્નો ચાલી રહ્યા છે.

તો અમદાવાદ સાથે ગુજરાતના ઘણાં સ્થળોનું સ્થાપત્ય-ઇતિહાસ અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે. સરકારની સાથે ખાનગી કંપનીઓ પણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરે છે. તાજેતરમાં જ ગાંધીનગર શહેરમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. શહેરના કોબા સર્કલ સહિતના કેટલાક ટ્રાફિક બૂથોને ગુજરાતના સ્થાપત્યો, ગાંધીનગર અક્ષરધામ, મહાત્મા મંદિર અને ગુજરાતની સંસ્કૃતિને વિશ્વભરમાં લઇ જનાર રાસ-ગરબાંના પોસ્ટર સાથે શણગારવામાં આવ્યા છે.

શહેરમાં ટ્રાફિક પોલીસના બૂથ પર ઉભા રહી વાહન ચાલકો-વાહન વ્યવહારનું નિયમન થાય કે ન થાય,  પરંતુ ટ્રાફિક બૂથ ખાનગી કે સરકારી જાહેરખબર ચોંટાડવાનું શ્રેષ્ઠ માધ્યમ ચોક્કસ બની ગયા છે.                                    (તસવીરઃ અહેવાલ–પ્રજ્ઞેશ વ્યાસ)