ગુજરાતઃ લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

ગાંધીનગર- ગુજરાતમાં મગફળીના વિપુલ ઉત્પાદન પછી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદવાનોનિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો.  રાજ્યમાં ૧૦૭ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવી છે તા. ૨૫મી ઓક્ટોબર, ૨૦૧૭થી મગફળીની ખરીદીનો આરંભ કરી શકાય તે માટે તમામ આગોતરી કાર્યવાહી થઇ ગઇ  છે.

આ પ્રક્રિયાનો વધુ ઝડપથી અમલ થાય તે માટે કેન્દ્ર સરકારની નાફેડ તથા રાજ્ય સરકારની પાંચ એજન્સીઓને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રૂ.૯૦૦/-ના પ્રતિ મણના ભાવે રાજ્ય સરકાર મગફળી ખરીદશે અને ખેડૂતોના ભાગમાં મણદીઠ રૂ.૨૫૦/-વધારાના આવશે.

કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે નાફેડ તથા રાજ્ય સરકારની ગુજરાત કો-ઓપરેટીવ કોટન ફેડરેશન લિ. (ગુજકોટ) સાબર ડેરી, બનાસ ડેરી, એગ્રી બિઝનેસ કન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં.લિ. (ગુજપ્રો) તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમીટેડ (ગુજકોમાસોલ)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાઇ છે. જેના દ્વારા ૧૦૭ કેન્દ્રો પરથી  મગફળીની ખરીદી કરવામાં આવશે.

આ વર્ષે અંદાજે ૩૨ લાખ મે.ટન મગફળી થવાનો અંદાજ છે અને રાજ્ય સરકારે રૂ.૯૦૦/-પ્રતિ મણના ભાવે ખરીદી કરાશે તો અંદાજે રૂ.૫૦૦/- કરોડ જેટલી વધારાની રકમ મળશે. ખેડૂતોને આ નાણાં સમયસર મળે તે માટે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં એક સપ્તાહમાં જમાં આપી દેવાશે. ઉપરાંત બારદાન, સ્ટોરેજ, ગોડાઉન અને પૂરતા માનવબળ તથા પરિવહન માટે પણ પૂરેપૂરું આયોજન સુનિશ્ચિત કરાયું છે.