રાજ્યભરમાં ઠંડીનો ચમકારોઃ કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા

અમદાવાદઃ રાજ્યભરમાં ઠંડીથી લોકો થર થર કાંપી રહ્યાં છે. હવામાન ખાતાએ સરહદી કચ્છ જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરી છે. પરંતુ હાલમાં તો સમગ્ર રાજ્યમાં લોકો ઠંડીના કોપ સામે કેમ રક્ષણ મેળવવું તેના ઉપાય શોધવામાં પડી ગયા છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૪.૬ ડિગ્રી નોંધાઈ હતી. રાત્રે તો ઠીક દિવસે પણ સખ્ત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે પવનની ગતિ વધુ રહેવાના કારણે લોકોએ ઠારની સ્થિતિ અનુભવી હતી.

હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં રવિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 12.1 ડિગ્રી નોંધાયું હતું. આ મહત્તમ તાપમાન એવરેજ તાપમાનની તુલનાએ 2.9 ડિગ્રી નીચે હતું. જ્યારે મિનિમમ તાપમાન એવરેજ રહ્યું.

ઉત્તર-પશ્ચિમથી આવતા ઠંડા પવનો રોકાવાના કારણે સોમવારે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. હવામાન વિભાગની આગાહી મુજબ લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધી શકે છે અને તે બાદ 3-4 ડિગ્રી જેટલું ઘટી શકે છે. જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં સોમવારે પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે.

રવિવારે નલિયા 4.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડી શહેર રહ્યું હતું. આ પછી કેશોદ 8.2 ડિગ્રી, ભુજ અને ગાંધીનગર 9 ડિગ્રી, રાજકોટ 9.2 ડિગ્રી, અમરેલી અને સુરેન્દ્રનગર 10 ડિગ્રીમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો છે. જોકે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી વચ્ચે રહેશે.