હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાની આબરૂ બચાવી…

કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ખાતે રમાતી ત્રણ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં આજે, શનિવારે બીજા દિવસે ભારતનો પહેલો દાવ 209 રનમાં પૂરો થયો હતો. ભારત 200નો આંકનો પાર કરી શક્યું એનો ખરો શ્રેય જાય છે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને, જેણે 93 રન કર્યા હતા અને ભૂવનેશ્વર કુમાર (25) સાથે મળીને 8મી વિકેટ માટે 99 રન ઉમેર્યા હતા. ભારતે 92 રનના સ્કોરમાં 7 વિકેટ ખોઈ દીધી હતી. પંડ્યાએ 95 બોલમાં 93 રન ઝૂડી કાઢ્યા હતા જેમાં 14 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. ભારતે આજે રોહિત શર્મા (11), ચેતેશ્વર પૂજારા (26), અશ્વિન (12), સહા (0) અને જસપ્રીત બુમરાહ (2)ને ગુમાવ્યા હતા. મોહમ્મદ શમી 4 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. હાર્દિક પંડ્યા બાદમાં બોલિંગમાં પણ ત્રાટક્યો હતો અને દક્ષિણ આફ્રિકાના બીજા દાવમાં તેના બંને ઓપનર – મારક્રમ (34) અને એલ્ગર (25) આઉટ કરી દીધા હતા. દિવસને અંતે દક્ષિણ આફ્રિકાએ બે વિકેટે 65 રન કર્યા હતા. ભારત ઉપર એની લીડ વધીને 142 રન થઈ છે. દક્ષિણ આફ્રિકાએ પહેલા દાવમાં 286 રન કર્યા હતા અને ભારત ઉપર 77 રનની લીડ મેળવી છે.