ગિફ્ટ ચાડી ખાય છે તમારી દાનતની

0
2365

ન્મદિવસ, લગ્નપ્રસંગ, એનિવર્સરી કે કોઇ ન્યુ વેન્ચર હોય અને તમને ઇન્વિટેશન મળે, એટલે સૌથી પહેલો સવાલ આવે કે શું ગીફ્ટ આપવું કે પછી આપણા ગુજરાતીઓમાં તો ચાંદલોનો રિવાજ પણ છે. જો કે ગીફ્ટની અસર અલગ હોય. અને આપણે જે ગીફ્ટ આપીએ એનાથી આપણી ઇમ્પ્રેશન પણ અલગ દેખાઇ. પ્રસંગ કોઇ પણ હોય, એ પ્રસંગ પર મળતી ગીફ્ટથી તે ગીફ્ટ આપનારની દાનત ખબર પડી જાય છે. અને માત્ર દાનત નહીં, પણ ગીફ્ટ આપનારની પર્સનાલિટી પણ એ ગીફ્ટ છતી કરે છે.મોટાભાગે જ્યારે લગ્ન પ્રસંગમાં જવાનુ હોય અને ગીફ્ટની વાત આવે તો સામાન્ય રીતે ક્રોકરી સેટ જેવી વસ્તુ જ પસંદ કરવામાં આવતી હોય છે. શું આપણે એ વિચાર્યુ છે કે જે યુગલને ક્રોકરી આપણે આપીએ છીએ, એને માત્ર આપણે જ નહીં ઘણા બધા ક્રોકરી સેટ જ આપે છે. એટલે એ એક કપલ બિચારુ લગ્ન પછી કેટલી ક્રોકરીના સેટ વાપરશે. જો ચાદર કે વોલક્લોક જેવી વસ્તુ આપીએ તો પણ સવાલ આ જ રહે, કે કેટલી ઘડિયાળ દિવાલ પર લટકાવશે નવદંપત્તિ.

આવી જ રીતે કોઇ બાળકનો જન્મદિવસ હોય તો સૌથી કોમન ગીફ્ટ, રંગો. એટલે કે ક્રેયોન્સ. હવે જ્યારે બાળક એ ઉંમરનું છે તો માતા પિતાએ પણ તો એને ક્રેયોન્સ અપાવ્યા જ હશે. અને ઉપરથી આપણા જેટલા કેટલા મહેમાનો તેને આ ગીફ્ટ આપશે. તો એ નાનકડુ બાળક કેટલા ક્રેયોન્સ વાપરશે. પણ આપણે આ નાનકડી વાતને મોટા ભાગે અવગણી જ દઇએ. આવી કોઇ જહેમત શા માટે કરવી વિચારવાની, ગીફ્ટ આપો ને પતાવો. આ આપણી દાનત બની ગઇ છે. પણ જો કોઇના દિલમાં ઘર કરવુ છે કે પછી તેને હંમેશા યાદ રહીએ એવી વિચારધારા તમે રાખો છો. તો જરુરી છે કે જે ગીફ્ટ પસંદ કરીએ તે કેવો સંદેશ આપે છે એનું પણ આપણે ધ્યાન રાખીએ.રિસર્ચ કહે છે કે, સામાન્ય રીતે ચીલાચાલુ ગીફ્ટ આપવી એ કોઇ ખરાબ વાત નથી. પણ એક જ વસ્તુ એકથી વધારે વાર ગીફ્ટમાં મળે તો જેને તમે ગીફ્ટ આપો છો એ તમારા વિશે ખરાબ અનુભવવા લાગે છે. અને ઘણી વાર પછી સામી ગીફ્ટમાં પણ આ ભાવ વ્યક્ત થઇ જાય. કયારેક તો ઇર્ષ્યાનો ભાવ પણ આવી જાય. સાયકોલોજીકલી આવી ગીફ્ટ જ્યારે મળે છે. એટલે વ્યક્તિ ખરાબ અનુભવે છે. અને વારંવાર આવુ થવાથી ગીફ્ટ મેળવનાર વ્યક્તિ અપમાન સુદ્ધાં અનુભવવા લાગે છે.

ગીફ્ટની કેટેગરી હોય છે. અગ્રેસિવ ગીફ્ટ. જો કે ગીફ્ટ સિલેક્શનની થિયરીને તમે માપી ન શકો. પણ તેમ છતાં ઘણી વાર ગીફ્ટ સિલેક્શન ગીફ્ટ આપનારની કંજૂસી અને તેનો સ્વાર્થ ખુલ્લો કરી દે છે. ઘણી વાર ગીફ્ટ એવી મળે જે ગીફ્ટ મળી તેને નહીં પણ ગીફ્ટ જેણે આપી તેને જ કામની હોય છે. જેમકે કોઇ પત્ની પોતાના પતિને વોશિગમશીન ગીફ્ટ કરે અને પતિ પોતાની હાઉસવાઇફને લેપટોપ ગીફ્ટ આપે.

ગીફ્ટની બીજી એક કેટગરી હોય છે કૉમ્પિટિટીવ ગીફ્ટ. જે મોટાભાગે ક્લોઝ પર્સનને આપવામાં આવે છે. એટલે દાદા-દાદી જે ગીફ્ટ આપે તેનાથી મોંઘી ગીફ્ટ મમ્મી-પપ્પા બાળકોને આપે. કોઇ મિત્રએ ચાદર આપી નવયુગલને તો તેનો વધુ નજીક હોય તે મિત્ર આખો કબાટ આપે. પણ આવી સ્થિતીમાં પણ ગીફ્ટ જેને આપો છો તેને ખરેખર કામની છે કે નહીં એ જોવાનુ બાજુએ રહી જાય છે. બસ માત્ર કિમત જોઇને ગીફ્ટ સિલેક્ટ કરી દેવાય છે. પેલુ મુવિ તો યાદ જ હશે. જેમાં કંગના રનૌતને મોંઘુ ગીફ્ટ આપવા અજય દેવગન 500 રુપિયાનુ એક ફ્રુટનું પીસ ખરીદે છે. વેલ એમાં તો એ ફ્રુટ હતુ એટલે થોડુ તો કામ લાગી જાય. પણ બીજા કેસમાં તો ધડ માથા વગરનું ગીફ્ટ પધરાવી દેવાય છે.

તો તમે જો ગીફ્ટ આપતા હોવ તો તમારા સ્ટેટસ કે સામેવાલાના સ્ટેટસ, અથવા આસપાસના લોકોની સરખામણી કરીને નહીં આપતા. જે ભાવ હોય એ ભાવથી આપજો. અને કંઇક વિચારીને આપજો. તો તમારુ ગીફ્ટ તમારી જીવનભરની યાદ બની જશે એ વ્યક્તિ માટે…