પૂર્વનો અક્ષ નકારાત્મક હોય પોતાનું જ ઘણું બગડે

ચાર સંહિતા લાગુ પડે પછી કેટલીક ક્રિયા પ્રક્રિયાઓ પર પ્રતિબંધ લાગી જાય. અને તો પણ કેટલાક લોકો તેનો ભંગ કરે અને સમાચારમાં આવે. ચુંટણી માત્ર મોટા સ્તર પર જ થાય? રોજીંદા જીવનમાં પણ આપની પાસે ઘણા બધા પર્યાયો હોય છે અને તેમાંથી સાચા પર્યાયને ચૂંટવાનો હોય છે. ત્યારે આપણે કોઈ આચારસંહિતાનું પાલન કરીએ છીએ ખરા? ખોટો નિર્ણય આપણે જ લઈએ છીએ. અને તેના કારણો પણ આપણી અંદરથી જ મળે છે. રોજબરોજની વિવિધ સમસ્યાઓનો સામનો કરતા કરતા ક્યારેક વ્યક્તિ કાવાદાવા કરતો પણ થઇ જાય અને રાજકારણ પણ શીખી જાય. પણ શું, પરિવાર,મિત્રો કે સોસાયટીમાં રાજકારણ યોગ્ય છે ખરું? જ્યાં સ્નેહ પામવાનો છે ત્યાં કાવાદાવા થોડાજ થાય?

જયારે અગ્નિમાં પુરુષ રહેતો હોય અને પૂર્વનો અક્ષ નકારાત્મક હોય ત્યારે તેને પોતાની ઉપર વિશ્વાસ ઓછો રહે છે અને દરેક કાર્યમાં ભૂલો શોધવા લાગે છે. તેનો ભય પરાકાષ્ઠા પર હોય છે અને સામાન્ય લાગતી વાતમાં પણ તેને અસલામતીની લાગણી ઉદ્ભવે છે. જે પરિવારની આત્મીયતા માટે ઘાતક બની શકે છે. એમાં પણ પૂર્વનો અક્ષ પણ નકારત્મક હોય તો વ્યક્તિને સતત પોતાને માન મળે તેની ભૂખ જાગે છે અને તે સ્વકેન્દ્રિત નિર્ણયો લઇ શકે છે. ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિને રાજકારણના કાવાદાવામાં રસ જાગે છે. અને તે નકારાત્મક નિર્ણયો લે છે. તેથીજ કોઈ પણ સોસાયટીમાં ઉત્તરથી અગ્નિના ત્રિકોણમાં જો કમિટી મેમ્બર્સ રહેતા હોય તો ત્યાં આત્મીયતા ના બદલે ભય અને રાજકારણ વધારે દેખાઈ શકે. આજ રીતે પરિવારમાં પણ મુખ્ય વ્યક્તિઓ ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણમાં રહેતા હોય તો ઘરમાં રાજકારણ રમાઈ શકે. આમાં પણ જો પશ્ચિમનો અક્ષ પણ નકારત્મક હોય તો વ્યક્તિને ખોટું બોલવું પણ ગમે. પોતે સાચા છે તે સાબિત કરવા તે કોઈ પણ હદ સુધી જઈ શકે. એક જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા હતી અને ખુબ હોબાળો થયો. મુખ્ય વ્યક્તિએ બેભાન થવાનું નાટક કર્યું અને પછી ધમકી આપી કે “ દારૂ પીયને મને હેરાન કર્યો છે તેવી ખોટી ફરિયાદ કરી દઈશ.”કોઈએ પોલીસ બોલાવવાની વાત કરીતો તેનાથી પણ ડરતો નથી તેવી વાત કરી.

બહારના લોકોમાં પોતાનું આધિપત્ય ધરાવવા પોતાના પરીવારથી જ વિમુખ થવાનો વિચાર એ મૂર્ખતા નથી? પણ નકારાત્મકતા માણસ પાસે ખોટા નિર્ણયો લેવરાવી શકે છે. જો અગ્નિ ખૂણો ૯૦ અંશનો ન હોય તો જેતે જગ્યાની નારી પણ આવી પ્રક્રિયામાંથી આનંદ લેતી જોવા મળે છે. લોકોના અધિપતિ ક્યારે લંકેશ બની જાય તે તેમને પણ ખબર નથી રહેતી. જો આ બધી નકારાત્મકતા ઉપરાંત દક્ષિણનો અક્ષ પણ નકારાત્મક હોય તો મુખ્ય વ્યક્તિને ચરિત્રને લગતી સમસ્યા પણ આવી શકે. કેટલીક વનસ્પતિને પણ નકારાત્મક ગણવામાં આવી છે. જેમકે વધારે પડતા વાંસ આત્મીયતા ઘટાડે છે. તો ચંપાના વધારે વૃક્ષો યોગ્ય નથી ગણાતા. બ્રહ્મમાં ઊંચા વુક્ષો હોય કે ઈશાનમાં ઊંચા વૃક્ષો હોય તો તે એકસુત્રતા માટે યોગ્ય નથી.

બ્રહ્મમાં દાદરો કે લીફ્ટ પણ યોગ્ય નથી ગણાતા. બ્રહ્મમાં ખાડો હોય કે જળસ્ત્રોત હોય તો તે મનને તકલીફ પડે તેવા સંજોગો ઉભા કરી શકે છે. આજકાલ ફ્લેટની સિસ્ટમ પ્રચલિત થઇ રહી છે. જગ્યાની સાથે મનમાં પણ સંકડાસ વર્તાય છે. સામસામે દરવાજા આવતા હોય ત્યારે પણ આત્મીયતા ઘટે તેવું બની શકે. પુનામાં એક જગ્યાએ આવી વ્યવસ્થા હતી જ્યાં એક વ્યક્તિએ કોમન કોરીડોરનો ૭૫% ભાગ કવર કરી દીધો હતો અને સામેવાળાને દબડાવતા હતા કે બહાર ચપ્પલ પણ નહિ રાખવાના. વળી ઉલટા ચોર કોતવાલકો ડાંટે ની માફક પોતેજ સામે વાળાની ફરિયાદ કર્યા કરતા હતા.

 

આ સ્કીમમાં કમિટી મેમ્બર્સ ઉત્તર, અગ્નિ અને દક્ષિણમાં રહેતા હતા તેથી રાજકારણ જોરમાં હતું. વાડ પણ વાંસની અને ઈશાનથી નૈરુત્યનો અક્ષ પણ નકારત્મક. દરરોજની ખટપટથી નવો આવેલો પરિવાર થાકી ગયો. આવા સંજોગો હોય તો ગભરાવાની જરૂર નથી કારણકે ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે. જો સામેવાળી વ્યક્તિની સાથે સતત ટકરાવ થયા કરેછે તો બે ઇંચના બે અરીસા બારશાખ ની બંને બાજુએ યોગ્ય જગ્યાએ લગાવી દેવાથી ફાયદો થાય. માત્ર આ ઉંચાઈ જાણવા ઘરના સભ્યોની ઉંચાઈ સમજવી જરૂરી છે. જો સરળ જીવન હશે તો રાજકારણમાં રસ નહિ રહે અને જગ્યા હકારાત્મક હશે તો રાજકારણ રહિત સ્વસ્થ સમાજ ઉભો થશે.