નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. આ મેચ ભારતના ટોપ-ઓર્ડર બેટર ચેતશ્વર પુજારા માટે મહત્ત્વની છે, કારણ કે આ તેની કારકિર્દીની 100મી મેચ છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે ભારતનો 13મો ખેલાડી બન્યો છે.
પુજારાએ ભારત વતી 99 ટેસ્ટ મેચોમાં 169 દાવ રમીને 44.15ની સરેરાશ સાથે 7,021 રન બનાવ્યા છે. આમાં 19 સેન્ચુરી અને 34 હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે. એનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે 206 રન. પુજારાના તમામ કઠિન સંજોગોમાં કે પ્રવાસમાં એની પત્ની પૂજા એની સાથે જ રહી છે. આજના સત્કાર સમારંભમાં પણ તે પતિની સાથે જ હતી.
ગાવસકરે કહ્યું કે, ‘આપણે બાળવયે ક્રિકેટ રમીને ઉછરતાં હોઈએ ત્યારે આપણને એવું મન થાય કે આપણે પણ ભારત વતી રમીએ. તે પછી જ્યારે આપણે ભારત વતી ટેસ્ટ મેચ રમીએ ત્યારે આપણને એક અવિશ્વસનીય લાગણી થાય. એ સ્તરે પહોંચવા માટે તમારે સખત મહેનત કરવી પડે અને તમારું મનોબળ પણ દૃઢ હોવું જોઈએ. જ્યારે તમે બેટિંગ કરવા ઉતરો ત્યારે તમારે માત્ર સ્વયંને માટે જ રમવાનું નથી હોતું. તમે તો ભારતનો ધ્વજ લઈને નીકળા હો છો. દ્રઢ નિશ્ચય, આત્મવિશ્વાસ અને મનમાં સપનાં સાથે તમે શું કરી શકાય છે એ માટે તમે એક આદર્શ બન્યા છો. 100મી ટેસ્ટ મેચ રમવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. 100 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ખેલાડીઓની ક્લબમાં તમારું સ્વાગત છે. તમે અહીં દિલ્હીમાં તમારી આ 100મી ટેસ્ટ મેચમાં મોટી સદી ફટકારો અને ભારત માટે એક વધુ જીતનો પાયો નાખો એવી મારી શુભેચ્છા છે.’
2010ના ઓક્ટોબરમાં બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની જ શ્રેણીમાં રમીને પોતાની કારકિર્દીનો આરંભ કરનાર ચેતેશ્વર પુજારાએ પોતાના સંબોધનમાં ગાવસકરનો આભાર માન્યો હતો અને કહ્યું કે તમારા જેવા દંતકથાસમાન ખેલાડીઓમાંથી જ મને પ્રેરણા પ્રાપ્ત થાય છે.