ફક્ત સ્વસ્થ થવા માટે નહીં, સુખી થવા માટે યોગ

।।वीतराग विषयों वायितम्।।

જેણે તમામ પ્રકારના ઇન્દ્રિય વિષયની આસક્તિનો ત્યાગ કર્યો છે એવા વીતરાગ પુરુષના હૃદયનું ધ્યાન કરવાથી પણ ચિત્ત સ્થિર થાય છે.

આ ચિત્ત સ્થિર કેમ કરાય? કે ચિત્ત સ્થિર કરીએ તો ફાયદો શું? એ સમજતાં પહેલા ચિત્ત સ્થિર ના હોય તો શું થઈ શકે?  એ જાણી લઇએ. ચિત્ત અશાંત હોય તો કોઈ કામમાં જીવ ન લાગે, જીવ ન લાગે એટલે કામ‌ ‌‌બગડે, મુડબગડે, ક્રોધ આવ્યા કરે, બધા સાથે ઝઘડવાનું મન થાય, બધાના વાંક કાઢવાનું મન થાય, ફરિયાદી સ્વભાવ થઈ જાય. જીવન માંથી શાંતિ, સુખ, આનંદ, મોજ, મજા, જેવા શબ્દો જતાં રહે. હવે બોલો ચિત્તને સ્થિર રાખવું છે ને!! તો એના માટે ધ્યાનમાં બેસવું પડે.

યોગસૂત્રમાં કહ્યું છે

।।विशोकावाख्य्तेतिष्मती।।

શોકરહિત જ્યોતિર્મય પદાર્થનું ધ્યાન કરવાથી પણ સમાધિની પ્રાપ્તિ થાય છે. ધ્યાન કરવાની ઘણી જુદી જુદી રીતો છે. પદાર્થનું ધ્યાન થાય, સ્વપ્ન ધ્યાન થાય, ચક્ર ધ્યાન થાય એમ કરતાં કરતાં કોઈ મધ્યસ્થીની જરૂર ન પડે અને આંખ બંધ કરી પરમાનંદ ચૈતન્ય સ્વરૂપમાં લીન થઈ જવાય.

એવા પ્રકારે ધ્યાન કરતાં કરતાં યોગીનું મન પરમાણુથી માંડીને પરમબ્રહ્મ પદાર્થ સુધી વગર પ્રતિબંધ ગમન કરી શકે છે.

ધ્યાનથી મગજની અંદરના સ્ત્રાવમાં ધરખમ ફેરફાર થાય છે. એટલે scientific રીતે serotonin & oxytocin નો સ્ત્રાવ વધવાથી anxiety, ચિંતા, મૂડ સારો ન હોય, હતાશા હોય તો એ દૂર થાય છે. જ્યારે oxytocin નું ઉત્પાદન મગજના hypothalamus ભાગમાં થાય છે જે આપણી અંદર પ્રેમની લાગણી વધારે, બધા સાથે આપણે સારી રીતે વર્તન કરી શકીએ.

આ બધું આપણને પ્રાપ્ત કઈ રીતે થાય? તો તમને યાદ હોય તો કોઈ વ્યક્તિ વધારે કામને લીધે, વધારે જવાબદારીઓને કારણે રઘવાયો થઈ ગયો હોય, બેબાકળો થઇ ગયો હોય, ત્યારે આપણા વડીલો આપણને કહેતા “જરા વાર શાંતિથી બેસ” એ શાંતિથી બેસવું એટલે શું? એ જ ધ્યાન. એ જ મન-મગજ શાંત કરીને બેસીએ એટલે બધી મૂંઝવણો ના રસ્તા આપણને આપોઆપ મળવા માંડે, આપણા intuitions powerful થાય છે. અને જો આપણા જીવનમાં આવતી અંતર્જ્ઞાન શક્તિ જો આપણને સાચું માર્ગદર્શન આપે તો દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ.

દરેક ઉંમરની વ્યક્તિ કોઈપણ સમયે ધ્યાનમાં બેસી શકે છે. (સિવાય કે જમ્યા પછી તરત નહીંં) 5 મિનિટથી લઈને કોઈ પણ સમય સુધી બેસી શકાય. ધ્યાન કેવી રીતે કરવું એ સમજી લઇએ.

ધ્યાન એ કોઈ પ્રવૃત્તિ નથી. ધ્યાન એ પ્રવૃત્તિ માંથી બહાર નીકળવાની વાત છે. ટેકો લઈને શાંતિથી comfortable રીતે બેસવાનું છે. પગની સ્થિતિમાં કોઈ દુખાવો ન થાય કમર, ખભા ને દીવાલને ટેકે રાખી શકાય. અથવા ટેકા વિના પણ બેસી શકાય. બસ જે સ્થળ તમને ગમે, પછી એ ઘરનો એક ખૂણોપણ હોય કે પર્વતની ટેકરી પર ના ઝાડ નો છાયો હોય, કોઈપણ જગ્યાએ ધ્યાન થઈ શકે. શરૂઆતમાં ધ્યાન એટલે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું, પછી થોડા મહિનાઓના અભ્યાસ પછી તો ધ્યાન એટલે શરીર એક મધ્ય છે બસ એથી વિશેષ કંઈ નહીં.

ખરા અર્થમાં તો આત્માનું ઇશ્વર સાથેનું તાદાત્મ્ય છે. ભૂલી જાવ શ્વાસ ને, ભૂલી જાવ શરીરને માત્ર ને માત્ર એક રૂપ ચૈતન્યસ્વરૂપમાં લીન થવાની વાત છે. અને આમ કરતા કરતા કેટલો સમય વીતી જાય છે એ ખબર જ ન પડે એટલે તો પહેલાના જમાનામાં ઋષિમુનિઓ ધ્યાનમાં બેસતા તો મહિનાઓ-વર્ષો વીતી જતા, એમની આજુબાજુ રેતીના રાફડા બંધાઈ જતા, વનસ્પતિના વેલાઓ ચડી જતાં પરંતુ ઋષિ-મુનિધ્યાન મગ્નજ હોય, વિચાર તો કરી જુઓ કેવા અવર્ણનીય અનુભવ હશે. જ્યારે આ સાંસારિક વસ્તુઓથી નાતો તૂટી જાય અને માત્ર ને માત્ર ઈશ્વર મય થઈ જવાય. ચાલો વધારે નહીં તો આપણે 10 મિનિટથી શરૂ કરીએ જિંદગીની મુશ્કેલીઓ સહજ રીતે દૂર થઈ જશે. જીવનમાં આવતી મુશ્કેલીઓ અને દરેક પ્રશ્નનો જવાબ મળી જશે.

ચાલો, પ્રયત્ન તો કરીએ. કેમ કે, where there is a will there is a way.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]