વિપરીત સંજોગોને સંભાળવા યોગ જરૂરી

ભક્તિ: મારા જીવનનું લક્ષ્ય ઈશ્વર સાથેના તાદાત્મ્ય થઈ જાય એટલે બસ.

વિવેક: અરે, પણ આપણે આ જે જીવન જીવી રહ્યા છીએ એમાં જ એટલી બધી તકલીફો છે તો ઈશ્વરના મિલનની તો વાત જ કયાં આવે?

ભક્તિ: તકલીફો તો આવે ને જાય, એટલે કાંઈ આપણું અંતિમ લક્ષ્ય વિચલિત ન થવું જોઈએ.

વિવેક: બધી વાતો છે- પેટમાં જોરદાર દુખાવો ઉપડે ત્યારે બાપના બાપ યાદ આવી જાય છે. એ વખતે એ મુશ્કેલીઓ દૂર કરવાની કે ઈશ્વરના તાદાત્મયનું વિચારવાનું?

ભક્તિ: એ જ તો યોગ શીખવાડે છે. જે પરિસ્થિતિ છે તે સ્વિકારો અને આગળ વધો. નહીં કે માથે હાથ મૂકીને ફરિયાદ કરીએ કે હવે શું થશે?, મારા તો નસીબ જ ખરાબ છે વગેરે વગેરે….

વિવેક: આમાં યોગ કયાં આવ્યાં? વર માંદો પડે હોસ્પિટલમાં હોય તો શું કરવાનું? આમાં યોગ કયા ઉપયોગી થશે?

ભક્તિ: દરરોજ નિયમિત આસન, પ્રાણાયામ અને ધ્યાન કરીએ એટલે મનોબળ મજબૂત થાય. જે વર્તમાન પરિસ્થિતિ છે તેને બદલી નથી શકવાના, પણ સ્વીકારી તો શકીએ ને! અને જો સ્વીકાર્યું કે વર માંદો છે તો બસ ડોક્ટરની સલાહ કે વૈદ્યની સલાહ પ્રમાણે સાચવવાનું. સતત ઈશ્વરનું સ્મરણ કરવાનું, નહીં કે માથે હાથ દઈને રડવાનું.

યોગ તમારી આંતરસૂઝને પાવર્ધ કરે છે. યોગ તમને મન અને શરીરથી મજબૂત કરે છે. યોગ તમારા કાર્યો તમારી સિદ્ધિને ઈશ્વરને સમર્પિત કરતા શીખવે છે. આપણને રસ્તા આપોઆપ મળશે.

શ્રીમદ્ ભાગવત ગીતાના છઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે,:

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम्।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम्।।

અર્થ: જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે, તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે રજો ગુણથી પર થઈ જાય છે. પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એક્તાનો સાક્ષાત્કાર કરે છે. અને એ રીતે ભૂતકાળમાં પોતાના સર્વ કર્મ ફળથી મુક્ત થઈ જાય છે.

વિવેક: અરે પણ મનને મનાવવું કઈ રીતે?

ભક્તિ: હા એના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે,:

असंशयं महाबाहो मनो दत दुर्निग्रहं चलम्।

अभ्यासेन तुकौन्तेय वैराग्येण च गृहयते ।।

અર્થ: નિ:સંદેહ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે, પરંતુ યથાયોગ્ય યોગ અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે.

વિવેક: ઓકે, એટલે દરરોજ યોગ અભ્યાસ કરીએ તો મનને વશમાં રાખી શકાય અને શરીરને પણ કેળવી શકાય છે.

ભક્તિ: પરમપૂજ્ય સ્વામી માધવીપ્રિયદાસજીએ એક વક્તવ્યમાં કહ્યું છે કે, કાંઈ પણ વાગે, લોહી નિકળે તો એમ વિચારવું કે આ શરીરને કષ્ટ પડી રહ્યું છે, એ કષ્ટ ને મનરૂપી તળાવમાં વમળો પેદા નહીં થવા દેવાના, હવે તમે વિચારશો કે આવું કેવી રીતે શક્ય છે? પરંતુ આ અશક્ય પણ નથી. એટલે આ બાબત પર વિચારવું જોઈએ.

મનને વશમાં રાખવા માટે નાના નાના સંકલ્પો કરવા દાત:- યોગમાં ત્રાટકની ક્રિયા છે. આ ત્રાટકની ક્રિયા સૂર્ય, ચંદ્ર, ઘીનો દીવો અથવા તો મીણબત્તીની જ્યોતની સામે કરવામાં આવે અને ત્યારે મનમાં સંકલ્પ કરીએ કે આંખનો પલકારો મરાય એ શું છે?. મનને વશમાં રાખીને નક્કી કરીએ “મારે આંખનો પલકારો નથી મારવો” બસ આમ નાન સંકલ્પથી જ મનોબળ મજબૂત થાય છે.

તમને યાદ હોય તો નાના હતા ત્યારે આપણે બે મિત્રો એકબીજાની સામે જુએ અને નક્કી કરે કે આંખનો પલકારો માર્યા વગર જોયા કરવાનું. એ ઉંમરમાં જીતવાની લ્હાયમાં આંખનો પલકારો ન મારીએ, અને જે મારે તે હારે! એટલે નાનપણથી જ નાના નાના આસનોમાં રોકાવાનું જો કરાવીએ તો બાળકો નાની ઉંમરથી જ મનોમન મજબૂત થાય અને મોટા થઈને મોટા સંકલ્પ કરી મોટા કાર્યો કરવા સક્ષમ બને. મન વશમાં રાખવું અશક્ય નથી.

યોગ કરવા માટે ઉંમરની મર્યાદા કેટલી?

9 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ યોગ કરી શકે  અને આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. અમદાવાની SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં જે યોગના સાધનો છે તેનાથી દરેક આસનો કરી શકાય છે. દા.ત. શિર્ષાસન કરવા શરીરનું સમતોલન અને મનની દ્રઢતા જરૂરી છે. ભલેને શરુઆતમાં થોડી ક્ષણો માટે શિર્ષાસન થાય, પછી ધીમે ધીમે એમાં 5 મિનિટથી લઈને 15 મિનિટ સુધી ટકી શકાય છે. એ દર્શાવે છે કે, તમારું મનોબળ ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે. મનના વિચારોને ક્યાંય ભટકવા ન દઈએ તો આસનમાં સ્થિર રહેવાય છે.

હવે બીજું જ્યારે જીવનમાં વિપરીત સંજોગો આ ત્યારે આપણે મનને સ્થિર રાખી શકીએ છીએ કે નહીં? કે પછી બેબાકળા થઈ જવાઈ છે?.  જો તમે નિયમિત યોગ કરતા હોવ તો ચોક્કસ વિપરીત સંજોગોને સારી રીતે સંભાળી શકશો. જીવનમાં સંજોગો બદલાતા નથી પરંતુ યોગથી સંજોગોને સંભાળતા આવડી જાય છે. બીજું શું જોઈએ જીવનમાં! તકલીફોને હસતા મોઢે સકારાત્મક રહીને દૂર કરી શકાય છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]