નવી દિલ્હીઃ કેરળની વાયનાડ લોકસભા સીટ પર ચૂંટાયેલા કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. ભાજપના નેતા નવ્યા હરિદાસે કેરળ હાઇકોર્ટમાં વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકાની જીતને પડકારી છે.
તેમણે દાવો કર્યો છે કે પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ નામાંકન પત્રમાં પોતાની અને પરિવારની સંપત્તિની યોગ્ય માહિતીનો ઉલ્લેખ નથી કર્યો. જોકે તેઓ પ્રિયંકા ગાંધી સામે 5,12,399 મતોથી હારી ગયા હતા. તેમણે તેમની અરજીમાં દલીલ કરી છે કે પ્રિયંકા ગાંધીએ તેમનું ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની અને તેમના પરિવારની માલિકીની વિવિધ મિલકતો વિશે મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી.તેમની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા ગાંધીએ મતદારોને ગેરમાર્ગે દોર્યા છે, ખોટી માહિતી આપી છે અને મતદારોને અંધારામાં રાખ્યા. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે અનેક પ્રસંગોએ મતદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરવા આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
આ મામલે સુનાવણી જાન્યુઆરી, 2025માં થાય એવી શક્યતા છે. ભાજપના નેતાનું કહેવું છે કે હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રજા હોવાને કારણે આ કેસની સુનાવણીમાં મોડું થવાની શક્યતા છે.પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવિટમાં કુલ રૂ. 4.24 કરોડની સંપત્તિ જણાવી છે, પણ તેમની પાસે કુલ અચલ સંપત્તિ રૂ. 13.89 કરોડની છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેમના પતિ રોબર્ટ વાડરા પાસે કુલ 37.91 કરોડની ચલ સંપત્તિ છે.