નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના ચેરમેન તરીકે બિનહરિફ ચૂંટાયા છે. 35 વર્ષના જય શાહ ICCના સૌથી યુવા વયના ચેરમેન બન્યા છે. વર્તમાન પ્રમુખ ગ્રેગ બાર્કલીનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જે પછી 1 ડિસેમ્બરથી નવા ચેરમેન તેમની જવાબદારી સંભાળી લેશે. જય શાહ એ એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર બાદ ICCના ચેરમેન બનનારા ત્રીજા ભારતીય છે. ICCના ચેરમેન બનવા માટે તેમનેBCCIના સેક્રેટરી તરીકેનું પદ છોડવું પડશે. BCCIના નવા સેક્રેટરી બનવાની રેસમાં અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી સૌથી આગળ હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. જો કે BCCIના સચિવની રેસમાં ઘણા નામો સામે આવ્યા છે. રોહન જેટલી – DDCAના પ્રમુખ રોહન જેટલી અથવા બંગાળ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અવિશેક દાલમિયાનું નામ પણ BCCI સચિવ પદના દાવેદારની લિસ્ટમાં ચર્ચામાં છે. રોહન જેટલી પૂર્વ ભાજપા નેતા અરૂણ જેટલીના પુત્ર છે. આથી આ રેસમાં રોહનનું નામ સૌથી આગળ હોવાની ચર્ચા ચાલી રહી છે.
આશિષ શેલાર – મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા આશિષ શેલાર, જેઓ BCCIના ખજાનચી અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વહીવટમાં મોટું નામ છે. શેલાર પણ સચિવ પદની રેસમાં સામેલ થઈ શકે છે.