અમદાવાદ: શહેરમાં સતત ચાર દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. રવિવારે સમગ્ર દિવસભર શહેરમાં વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ બાદ રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મોડીરાત્રે શરૂ થયેલો વરસાદ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જેને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અત્યાર સુધીના વરસાદના આંકડાની વાત કરીએ અમદાવાદમાં મોડી રાત્રે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એકવાર વરસાદે બેફામ વરસતાં મોડી રાતે લગભગ 6 ઈંચ જેટલો ખાબક્યો હતો. જોકે આવી જ સ્થિતિ મણિનગરમાં પણ જોવા મળી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાને કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાશીએ મોડી રાતે ફરિયાદો કરવી પડી હતી.