લચ્છા પ્યાઝ પરોઠા

પંજાબી ઘરોમાં અવારનવાર બનતા લચ્છા પરોઠા કે લચ્છા પ્યાઝ પરોઠા આપણે સ્વાદીયા ગુજરાતીઓએ પણ બનાવવા જેવા છે! કારણ કે, તે બનાવવા સહેલા તો છે જ. વળી, ગરમાગરમ ખાવામાં તો બહુ જ ભાવે તેવા છે!

સામગ્રીઃ

  • કાંદા 2-3
  • લીલાં મરચાં 3-4
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘઉંનો લોટ 1½ કપ

રીતઃ કાંદા લાંબી પાતળી સ્લાઈસમાં સમારી લો. એક બાઉલમાં તેને લઈ તેમાં ઝીણાં સમારેલાં લીલાં મરચાં, કોથમીર મેળવી દો. લાલ મરચાં પાઉડર, જીરૂ પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ, અજમો પણ મેળવી દો.

ઘઉંનો લોટ રોટલી માટે બાંધી લો. લોટમાંથી એક લૂવો લઈ તેની રોટલી વણી લો. આખી રોટલી પર કાંદાનું મિશ્રણ ફેલાવી દો. એક કટરથી રોટલીની લાંબી સ્ટ્રીપ કટ કરી લો અને બધી પટ્ટી એક ઉપર એક ગોઠવીને રોલ વાળી લો. આ વાળેલા રોલ (લૂવા) ઉપર થોડી કોથમીર ભભરાવીને ફરીથી તેનું પરોઠું વણીને તવા ઉપર ઘી અથવા તેલ નાખીને શેકી લો.

બીજી રીતે પરોઠું વણવા માટે ઘઉંની મોટી રોટલી વણી લો. તેની ઉપર કાંદાનું મિશ્રણ ફેલાવી દીધા બાદ તેનો રોલ વાળી લો. આ લાંબા રોલને ચકરી આકારમાં વાળીને ગોઠવી દો. એના ઉપર અટામણ ભભરાવી થોડો પ્રેસ કરી, ઉપર થોડી કોથમીર ભભરાવી હળવે હાથે વેલણથી વણી લો. ત્યારબાદ તવા ઉપર ઘી અથવા તેલ નાખીને શેકી લો.

આ પ્યાઝ પરોઠા ચા અથવા ટોમેટો કેચ-અપ સાથે સારાં લાગશે.