37 છગ્ગા સાથે 349 રન ખડકીને T20માં વડોદરાની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઈન્દોર: ટી-20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર હવે વડોદરા ક્રિકેટ ટીમના નામે નોંધાયો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં વડોદરાએ સિક્કિમ સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 349 રન ખડકી દીધા છે. વડોદરા તરફથી ભાનુ પુનિયાએ અણનમ 134 રન બનાવ્યા હતા. આ મેચમાં વડોદરાની ઇનિંગ દરમિયાન કૂલ 37 સિક્સર લાગી હતી. ટી-20 ક્રિકેટમાં આ પહેલા એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ પણ વડોદરાએ પોતાના નામે કર્યો છે.ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ આ પહેલા ઝિમ્બાબ્વેના નામે હતો જેમાં ગાંબિયા વિરૂદ્ધ 23 ઓક્ટોબર, 2024ના રોજ 344 રન બનાવવાનો ઝિમ્બાબ્વેનો રેકોર્ડ હતો. એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પણ ઝિમ્બાબ્વેના નામે આ મેચમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વે તરફથી એક ઇનિંગમાં 27 સિક્સર લાગી હતી. વડોદરાની ટીમે એક ઇનિંગમાં સૌથી વધુ 37 સિક્સર ફટકારી સિક્સરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વડોદરાની ટીમ તરફથી ભાનુ પુનિયાએ સૌથી વધુ 15 સિક્સર ફટકારી હતી.કૃણાલ પંડ્યાની કેપ્ટન્સી ધરાવતી વડોદરાની ટીમ તરફથી આ મેચમાં હાર્દિક પંડ્યા ન હતો રમતો. આ મેચમાં વડોદરાના ચાર ખેલાડીઓએ 50+ સ્કોર બનાવ્યો હતો. શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહે મળીને આક્રમક શરૂઆત કરી હતી. બન્નેએ મળીને પ્રથમ વિકેટ માટે 5 ઓવરમાં જ 90 રન ફટકાર્યા હતા. અભિમન્યુ 17 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. તે બાદ શાશ્વત 43 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ભાનુ અને શિવાલિક શર્માએ મળીને આક્રમક રમત રમી હતી. શિવાલિક 17 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો અને વિષ્ણુ સોલંકીએ 16 બોલમાં 50 રન બનાવ્યા હતા. ભાનુએ 51 બોલમાં અણનમ 134 રન ફટકાર્યા હતા. જેમાં પાંચ ફોર અને 15 સિક્સર સામેલ છે.

ટી-20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ જોકે ભાનુ તોડવાથી ચુકી ગયો હતો. ભાનુએ જો ચાર સિક્સર લગાવી દીધી હોત તો આ વર્લ્ડ રેકોર્ડ પણ તૂટી જાત. ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન ક્રિસ ગેલ છે. ગેલે રંગપુર રાઇડર્સ તરફથી રમતા બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ઢાકા ડાયનામાઇટ્સ વિરૂદ્ધ 146 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન 18 સિક્સર ફટકારી હતી.