કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજરી

ધરમપુર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતના ધરમપુર ખાતે આવેલ પવિત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના અનુષ્ઠાનમાં ગુરુદેવ રાકેશજી સાથે જોડાયા હતા.શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું મુખ્ય મથક છે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધરમપુર તીર્થ જિનમંદિરમાં ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરૂદેવ રાકેશજીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને મિશનના ઉપ-પ્રમુખ આત્માર્પિત નેમીજી પણ ઉપસ્થિત હતા. આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો  મહામસ્તકાભિષેક કરતા સમયે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે. આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’’ આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે. ગુરૂદેવ રાકેશજીએ આ પ્રસંગે અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે. આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમકૃપાળુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.