પત્રકારના જીવનમાં સન્ડે અને સાંજ જેવું કઈ નથી હોતું

આકૃતિએ જર્નાલિઝમમાં માસ્ટર્સ પૂરું કર્યું અને સ્થાનિક સમાચારપત્રો અને મેગેઝીનમાં એપ્રેન્ટિસશિપ માટે એપ્લિકેશન્સ કરી દીધી. પરીક્ષાઓ હમણાં જ પુરી થઇ હતી એટલે થોડા દિવસ આરામથી વીતાવવામાં કઈ વાંધો નહોતો. એક સપ્તાહ માટે આબુ અને ઉદયપુરનો પ્રવાસ કરી શકાય તેવું વિચારીને તેણે પોતાની બે ક્લાસમેટ્સને ફોન કરીને પૂછી લીધું. બંનેને પ્રસ્તાવ ગમ્યો અને સહમતી આપી એટલે આકૃતિએ આખી ટુર પ્લાન કરવાની જવાબદારી ઉઠાવી લીધી.

ત્રણ દિવસમાં બધું પ્લાંનિંગ થઇ ગયું. પ્રાઇવેટ કારમાં જવાનું નક્કી થયું. આકૃતિની એક ફ્રેન્ડના ઘરે સ્કોર્પિઓ હતી અને વર્ષોથી કામ કરતો વિશ્વાસુ ડ્રાઈવર પણ હતો. ડ્રાઈવર સાથે હશે તો ત્રણેય યુવતીઓ સુરક્ષિત રહેશે તેવા હેતુથી તેના પપ્પાએ કાર અને ડ્રાઈવર લઇ જવાની પરવાનગી આપી દીધી. આકૃતિએ હોટેલ્સ બુક કરી લીધી હતી. કયા સ્થળો જોવાના છે, કયા રેસ્ટોરન્ટમાં જમવાનું છે, શું મોજ-મસ્તી કરવાની છે તે બધું જ આયોજન કરી લીધું હતું.

રવિવારે સવારે નવ વાગ્યે ત્રણેય સખીઓની ટોળકી બ્લેક કલરની સોફર ડ્રિવન સ્કોર્પિયોમાં અમદાવાદથી આબુ જવા માટે નીકળી પડી. રસ્તામાં રોકાતા રોકાતા, ફોટો અને વિડિઓ, મ્યુઝિક અને પેપ્સી, જોક્સ અને કોલેજની વાતો વચ્ચે સમય કયા નીકળી ગયો ખબર જ ન પડી. સૂર્યાસ્ત આબુમાં જોવાનું આયોજન હતું. હોટેલમાં પહોંચી ફ્રેશ થઈને ત્રણેય યુવતીઓ સન-સેટ પોઇન્ટ પર પહોંચી ગઈ. મોજ મસ્તી ચાલતી હતી ત્યાં આકૃતિના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો.

‘હેલો, કોણ?’ આકૃતિએ પૂછ્યું.

‘હું કૈલાશ શાહ બોલું છું. તમે અમારા મેગેઝીનમાં એપ્રેન્ટિસશિપ માટે એપ્લિકેશન કરેલી?’ સામેથી અવાજ આવ્યો.

‘ઓહ સર તમે? થેન્ક યુ ફોર કોલિંગ બેક. હા, મેં એપ્લિકેશન કરી છે. પણ આજે રવિવારે સાંજે તમે જાતે કોલ કર્યો, મને તો વિશ્વાસ નથી આવતો.’ આકૃતિને ખરેખર જ માનવામાં નહોતું આવતું કે આટલા મોટા મેગેઝીનનો તંત્રી, આટલો પ્રખ્યાત પત્રકાર અને લેખક જાતે જ તેને ફોન કરશે અને તે પણ રજાના દિવસે.

‘પત્રકારના જીવનમાં સન્ડે અને સાંજ જેવું કઈ નથી હોતું. આ વાત તમને કોલેજમાં નહિ શીખવાડી હોય. ઓફિસ આવી જાઓ કાલે સવારે દશ વાગ્યે. ગુડ બાય.’ કૈલાશ શાહે એટલું કહીને ફોન મૂકી દીધો. આકૃતિ કઈ બોલે તે પહેલા તો ફોન કપાઈ ગયો હતો અને ‘હેલો, સર, હેલો, હેલો’ કર્યા બાદ તેણે ફોન જીન્સના ખિસ્સામાં મુક્યો અને વિસ્મયથી તેની તરફ જોઈ રહેલી બંને સખીઓને પૂરી વાત કરી.

‘તારા માટે આ સારી ઓપર્ચ્યુનિટી છે. આપણું વેકેશન તો પછી પણ પ્લાન થઇ જશે. ચાલ આજે રાત્રે જ પાછા નીકળી જઈએ.’ એકે કહ્યું અને બીજીએ હકારનો સુર પુરાવ્યો. મન મારીને પણ ત્રણેયે રાત્રે જ પાછા ફરવાનું નક્કી કર્યું.

સોમવારે સવારે દશ વાગ્યે આકૃતિ કૈલાશ શાહની ઓફિસમાં બેઠી હતી. મોડર્ન સ્ટાઈલથી બનાવેલી તેમની ઓફિસનો દેખાવ કોર્પોરેટ અને પત્રકારત્વની વચ્ચે હિલોળા લેતો હતો. સામે મેકબુક અને બાજુમાં અત્યાધુનિક કોમ્પ્યુટર હતું. સામે દીવાલ પર ૫૬”નું ફ્લેટસ્ક્રીન ટીવી મ્યુટ કરેલું હતું અને બીબીસી વર્લ્ડની ચેનલ લગાવેલી હતી. આવી સરસ ઓફિસમાં સૂટ અને ટાઈ પહેરીને બેઠેલા કૈલાશ શાહની કલ્પના આકૃતિએ ક્યારેય કરી નહોતી. તેને લાગેલું કે ખાદી અથવા તો સામાન્ય શર્ટ પેન્ટ અને બહુ બહુ તો નહેરુ જેકેટ પહેરીને કોઈ વૃદ્ધ પત્રકાર ચશ્માં લગાવીને લાકડાના ટેબલ ખુરશી પર વિખરાયેલા કાગળો અને ફાઈલોનો થપ્પો લઈને બેઠો હશે. પરંતુ આ તો અત્યાધુનિક ઓફિસમાં, કોર્પોરેટ લીડરને શરમાવે તેવી પર્સનાલિટી સાથે લેટેસ્ટ ઉપકરણો પર કામ કરી રહેલ વ્યક્તિ હતો જે પચાસથી વધારે ઉંમરનો દેખાતો નહોતો.

‘સો વેલકમ ટુ અવર મેગેઝીન. કામ શરુ કરીએ?’ કૈલાશ શાહે પૂછ્યું. પૂછવા કરતા વધારે તો તે સૂચના જ હતી.

‘સર?’ આકૃતિને લાગ્યું કે કોઈ ઇન્ટરવ્યૂ નહિ, કોઈ પૂછપરછ નહિ. સીધું જ કામ?

‘જી?’

‘આઈ મીન કોઈ ઇન્ટરવ્યૂ કે.., આઈ એમ સિમ્પલી સરપ્રાઇઝ્ડ.’ આકૃતિએ ખુલાસો કર્યો.

‘આકૃતિ, કાલે પહેલા મેં તારા ઘરના લેન્ડલાઈન પર ફોન કરેલો. તારી મમ્મીએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે સવારે જ તમે ત્રણ કોલેજ ફ્રેન્ડ્સ એક સપ્તાહ માટે ફરવા નીકળ્યા છો. ત્યારબાદ જ મેં મોબાઈલ પર ફોન કરીને તને કહ્યું કે આજે સવારે ઓફિસ આવી જાઓ. સખીઓ સાથેનું કોલેજ પૂરી કાર્ય પછીનું પહેલું વેકેશન એક જ દિવસમાં છોડીને તું ઓફિસ આવી ગઈ તેનાથી વધારે ઇન્ટરવ્યૂ હું તારું શું લઉં? મેં કાલે જ નક્કી કરી લીધેલું કે જો તું આજે સવારે ઓફિસે સમય પર પહોંચી જઈશ તો આ મેગેઝીનમાં તારા માટે પર્મેનૅન્ટ નોકરી ફિક્સ કરી દઈશ.’ કૈલાશ શાહે તેને વિગતવાર વાત કરી.

‘ઓહો, મારી મમ્મીએ તો મને કઈ કહ્યું નહિ.’ આકૃતિથી બોલાઈ ગયું.

‘મેં જ તેને ખુલાસો કરવાની ના કહેલી.’

‘અને સર, થેન્ક યુ. મારા માટે તો જાણે સપનું સાકાર થઇ ગયું કે જ્યાં એપ્રેન્ટિસશિપ મળે તેના માટે પણ હું પ્રાર્થના કરી રહી હતી ત્યાં તમે મને તરત જ નોકરી આપી દીધી. પરંતુ હવે મને એક ભાર અનુભવાઈ રહ્યો છે કે હજુ તો મારુ પરિણામ આવવાનું બાકી છે, મારા માર્ક્સ અને મારી સ્કિલ તો તમે જોઈ જ નથી. ખબર નહિ હું તમારી અપેક્ષા પૂરી કરી શકીશ કે કેમ?’ આકૃતિના મનમાં હવે અલગ પ્રકારની ચિંતા સળવળી રહી હતી.

‘આકૃતિ, મેં તારી સ્કિલ નહિ, અભિગમ જોઈને તને નોકરી આપી છે. સ્કિલ કેળવી શકાય છે. તને ટ્રેઈન કરવાની જવાબદારી અમારી છે. કામ માટે અને કારકિર્દી માટે જે ડેડિકેશન તે બતાવ્યું છે તે હંમેશા જાળવી રાખજે. સ્કિલ શીખવી અઘરી નથી અને સ્કિલ તો સમયે સમયે બદલાતી રહે છે. કાલે અમે પેન અને પેપરથી આર્ટિકલ લખતા હતા હવે આજે કોમ્પ્યુટર પર લખીએ છીએ. નવી સ્કિલ શીખવી પડી કે નહિ? આજનો સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે અને ત્યાં ઝડપથી આવતા પરિવર્તન સાથે જે ન ટકે તે તરત જ આઉટ થઇ જાય. જે લોકો સમયની માંગને પહોંચી વળવા પોતાની મોજમસ્તી અને આરામ છોડીને કામે લાગી શકે તેના માટે કોઈ જ કામ અશક્ય નથી.’

આકૃતિ કૈલાશ શાહને સાંભળી રહી. તેને જીવનભરની સફળતાનો મંત્ર મળી ગયો હતો.

‘ઓલ ધ બેસ્ટ. કામે લાગી જાઓ. અશોક તારી ડેસ્ક બતાવી દેશે. આજનું ટાસ્ક ત્યાં મૂકેલું હશે.’ આટલું કહીને કૈલાશ શાહે પ્યુનને બોલાવવા બેલ વગાડ્યો અને લેપટોપમાં પોતાના કામમાં બીઝી થઇ ગયા.

આકૃતિ એ પ્રભાવશાળી વ્યક્તિને કૃતજ્ઞતાપૂર્વક જોતી અશોક સાથે પોતાની ડેસ્ક પર જવા નીકળી ગઈ.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)