પર્યાવરણ મુદ્દે ટ્રમ્પ સરકારનું બેવડું વલણ ખુલ્લું પડ્યું

વૈશ્વિક સ્તરે વધતી ગરમી એ સતત ચિંતાનો વિષય છે અને આથી તેના પર અમેરિકા સહિતના દેશો સતત સંશોધન કરતા રહે છે. અમેરિકાની ૧૩ કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા એક સઘન સમીક્ષા કરાઈ છે. આ સમીક્ષા મુજબ, વૈશ્વિક ગરમીના પુરાવા પહેલાં કરતાં વધુ મજબૂત મળ્યા છે અને આ સમીક્ષામાં એક નવી વાત એ જાણવા મળી છે કે ૯૦ ટકા વૈશ્વિક ગરમીનું કારણ માનવ છે, કુદરત નહીં. આ તારણ અમેરિકાની ટ્રમ્પ સરકારના વરિષ્ઠ સભ્યોની વાતથી વિરુદ્ધ છે.ત્રણ નવેમ્બરના રોજ આ સમીક્ષા જાહેર થઈ હતી. ૪૭૭ પાનાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ૯૫થી ૧૦૦ ટકા એવી સંભાવના છે કે વૈશ્વિક ગરમી એ માનવસર્જિત છે. કોલસા, તેલ (પેટ્રોલ-ડીઝલ) અને કુદરતી વાયુ (નેચરલ ગેસ)ના બળવાથી ઉત્પન્ન થતાં કાર્બન ડાયૉક્સાઇડમાંથી મોટા ભાગે તે સર્જાય છે.

આ વાત ટ્રમ્પ સરકારના અધિકારીઓની વાતથી વિરુદ્ધ છે. ટ્રમ્પ સરકારમાં ઊર્જા સચિવ રિક પેર્રી અને પર્યાવરણ સુરક્ષા સંસ્થાના વડા સ્કૉટ પ્રુઇટે કહ્યું હતું કે વૈશ્વિક ગરમીમાં મુખ્ય સહયોગી કાર્બન ડાયૉક્સાઇડ નથી. સમીક્ષામાં કહેવાયું છે કે કાર્બન ડાયૉક્સાઇડ જ મુખ્ય સહયોગી પરિબળ છે.

કેટલાક વૈજ્ઞાનિકો અને પર્યાવરણપ્રેમીઓને એવી ભીતિ હતી કે આ સમીક્ષામાં રાજકીય હસ્તક્ષેપ થશે, પરંતુ નેશનલ ઑશિયનિક ઍન્ડ ઍટ્મૉસ્ફિયરિક ઍડ્મિનિસ્ટ્રેશન (Noaa)ના ડેવિડ ફહેએ કહ્યું કે આમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ કે તેમાં કોઈ સેન્સરિંગ થયું નથી. ૨૦૧૩ પછી આબોહવા વિજ્ઞાનનો આ સૌથી સઘન સારાંશ છે, જેમાં વિશ્વમાં ગરમી વધતી જાય છે તે દર્શાવાયું છે.

અભ્યાસો લખનાર સરકારની અંદર અને બહાર એમ બંનેના ડઝનબંધ વૈજ્ઞાનિકો હતાં. તેમાંના એક તેમ જ રત્જર્સ યુનિવર્સિટીના રૉબર્ટ કૉપે કહ્યું કે છેલ્લાં ચાર વર્ષથી આપણે જે ઘણું બધું જાણી રહ્યાં છીએ તે સૂચવે છે કે આપણે વિચારીએ છીએ તેના કરતાં પરિસ્થિતિ વધુ ગંભીર છે.

સમીક્ષા કહે છે કે ૧૯૦૦ના વર્ષથી પૃથ્વી ૧ સે. ગરમ થઈ છે અને સમુદ્રો ૮ ઈંચ ઊંચા આવ્યાં છે. ગરમીના મોજાં, વરસાદ અને વનમાં આગની સંખ્યા વધી ગઈ છે.

વૈજ્ઞાનિકોએ ગણતરી કરી છે કે ૧૯૫૦થી ગરમીમાં માનવનું પ્રદાન ૯૨થી ૧૨૩ ટકા છે. એક છેડે તે ૧૦૦ ટકા કરતાં વધુ છે કારણ કે કેટલાક કુદરતી બળો જેમ કે જ્વાળામુખી અને ઑર્બિટલ સાઇકલ પૃથ્વીને ઠંડી પાડવા કાર્ય કરી રહ્યાં છે, પરંતુ તેની અસર ગ્રીનહાઉસ ગેસની અસરથી દૂર થઈ જાય છે, તેમ ટૅક્સાસ ટૅકના કેથરીન હેયહો જે આ અભ્યાસના સહલેખક છે તેમણે કહ્યું હતું.

તેણીએ કહ્યું હતું કે આધુનિક સભ્યતાના ઇતિહાસમાં આ સમયગાળો સૌથી ગરમ છે.

પહેલીવાર વૈજ્ઞાનિકોએ વધતી ગરમીના કારણે જે સંભવિત ખતરાઓ સર્જાઈ શકે તેના ડઝન જેટલા પરિવર્તનબિંદુઓ દર્શાવ્યાં છે. આ બિન્દુઓમાં વિશાળ એટલાન્ટિક મહાસાગરની ચક્કર પ્રણાલિ ધીમી પડવાનો સમાવેશ થાય છે જેનાથી વિશ્વભરમાં હવામાન નાટકીય રીતે ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત વધુ મજબૂત એલ નિનો, ગ્રીનલેન્ડ તથા એન્ટાર્ક્ટિકામાં બરફની લાદીઓમાં મોટો ઘટાડો, જેનાથી સમુદ્રની સપાટી વધી શકે, તથા મિથેન અને કાર્બન ડાયૉક્સાઇડનું મોટા પ્રમાણમાં ઉત્સર્જનનો સમાવેશ થાય છે.

જોકે આ પરિવર્તનબિન્દુઓ આકાર લેશે તેની કેટલી સંભાવના છે તેનો કોઈ અંદાજ આ સંશોધકોએ પૂરો પાડ્યો નથી. આ અહેવાલમાં એ બાબતનું પણ દસ્તાવેજીકરણ થયું છે કે અલગઅલગ હવામાન પરિવર્તનથી સર્જાયેલી ઘટનાઓ જટિલ રીતે એકબીજા સાથે સંપર્ક કરીને કેલિફૉર્નિયા દાવાનળ અને સુપરસ્ટૉર્મ સેન્ડી જેવી કુદરતી આપત્તિઓ લાવીને આપણાં જીવનને દુષ્કર બનાવી શકે છે.

આમ, અમેરિકા સરકાર ભલે પોતાના આર્થિક ફાયદા માટે પર્યાવરણને બગડતું રોકવામાં ફાળો આપવા ના પાડતી હોય અને તે માટે કાર્બન ડાયૉક્સાઇડ મુખ્ય સહયોગી ન હોવાની વાત કરતી હોય પરંતુ વૈજ્ઞાનિકોએ તો આ વાત કરી જ છે. તેનાથી અમેરિકાની સરકારનાં બેવડાં વલણો ખુલ્લાં પડી ગયાં છે.