મુંબઈઃ ક્રીપ્ટોકરન્સીના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ખરીદી આકર્ષક બની અને તેને લીધે ભાવમાં સ્થિરતા આવી છે. સૌથી જૂની ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ હવે 36,000ની ઉપર સ્થિર થયો હોવાનું જણાય છે. કેટલાક રોકાણકારોનું માનવું છે કે હાલમાં આ ડિજિટલ ઍસેટ ઓવરસોલ્ડ હતી.
બિટકોઇનના દૈનિક ચાર્ટ પર રિલેટિવ સ્ટેન્થ ઇન્ડેક્સ (આરએસઆઇ) ગત માર્ચ 2020 બાદની સૌથી વધારે ઓવરસોલ્ડ સ્થિતિ દર્શાવી રહ્યો છે. તેની પહેલાં 20 નવેમ્બર, 2018ના રોજ બિટકોઇન ઓવરસોલ્ડ હતો.
મંગળવારે બિટકોઇન ફ્યુચર્સમાં ઊભાં ઓળિયાં વધ્યાં હતાં, જે તેમાં વધુ નાણાં રોકાયાં હોવાનું દર્શાવે છે. આ વર્ષે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા કરશે એવા અંદાજનું બજારે પ્રાઇઝિંગ ઇન કરી લીધું છે.
વિશ્વની ટોચની 15 ક્રીપ્ટોકરન્સીના ભાવને ટ્રેક કરનારો ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોનો પ્રથમ વૈશ્વિક ઇન્ડેક્સ મંગળવારે બપોરે 4.00 વાગ્યા સુધીમાં 8.08 ટકા (3,926 પોઇન્ટ) વધીને 52,508 પોઇન્ટ થયો હતો. આ ઇન્ડેક્સ 48,582 ખૂલ્યા બાદ ઉપરમાં 53,332 અને નીચામાં 47,553 જઈ આવ્યો હતો અને 52,508 બંધ રહ્યો હતો.