આલાપ,
સમય ક્યારેક વાયુવેગે ભાગતો લાગે છે તો ક્યારેક ગોકળગાયની ગતિએ સરકી રહ્યો હોય એવું ભાસે છે. હું જાણું છું કે આ બધા મનના કારણ છે, પણ મનને સમજાવવું ય ક્યાં એટલું સહેલું છે? કહેવાય છે કે ભૂતકાળની યાદો એ પાછલી જિંદગીમાં જીવવાની જડીબુટ્ટી છે, પણ કેટલીક જડીબુટ્ટી કડવી ય હોવાની ને? વર્તમાન સમયની મીઠાશને સૌથી વધુ ભાંગી શકવાની તાકાત ભૂતકાળની કડવી યાદોમાં જ હોય છે.
આજના ખાસ દિવસે આવી જ કડવી યાદોએ મન-મગજ પર કબજો કર્યો છે.
જાન્યુઆરી મહિનાની બારમી તારીખ. આમ તો મારી જિંદગીમાં તારા આગમન પહેલા આ દિવસનું કોઈ ખાસ મહત્વ નહોતું, પણ તેં આવતાની સાથે જ આ દિવસને એટલો ખાસ બનાવી દીધેલો કે મને થયા કરતું કે આ દિવસ વર્ષમાં અનેકવાર આવે.
આ દિવસ એટલે મારો જન્મદિવસ. બાળપણમાં કદાચ અનેક વખત આ દિવસ ઉજવાયો હશે. એનું ખાસ સ્મરણ નથી. આમ જોઈએ તો આપણો જન્મ બીજા માટે મહત્વનો બને ત્યારે જ એની ઉજવણી યોગ્ય છે.
આજથી અઠ્ઠાવીસ વર્ષ પહેલાં તું આવ્યો મારા જીવનમાં. એક વંટોળની માફક તું મારા હૃદયના કમાડ સોંસરવો પ્રવેશી ગયો. હું કશું સમજુ એ પહેલાં તો તેં મને તારી અસરમાં લઈ લીધેલી. મને આજે પણ મારો એ વીસમો જન્મદિવસ યાદ છે. મધ્યરાત્રિએ અચાનક ડોરબેલ રણકે છે. હું દરવાજો ખોલું છું અને સામે જાણે કે ફૂલોનો આખેઆખો બગીચો, ચોકલેટ્સની આખેઆખી દુકાન અને એ બધામાં મંદ મંદ હાસ્ય વેરતો તું. કોઈ ફિલ્મમાં આવતા દ્રશ્ય કરતાં બિલકુલ ઉતરતું ન હતું આ દ્રશ્ય. આજે આટલા વર્ષે પણ યાદ કરું છું તો એક મિનિટ માટે હું ફરીથી વીસની બની જાઉં છું. એ મધ્યરાત્રિથી લઈને બીજા દિવસની મધ્યરાત્રિ સુધી તારી સરપ્રાઇઝ અને ગિફ્ટસનો દોર ચાલુ રહ્યો. પૂરેપૂરી ઓગણીસ ગિફ્ટ આપ્યા પછી વીસમી ગિફ્ટ આપતાં તે મને કહેલું, ‘સારંગી, ઓગણીસ ગિફ્ટ તો ગમે ત્યારે તું પણ તારા માટે ખરીદી શકીશ, પણ સૌથી મહત્વની આ વીસમી ગિફ્ટ છે, જે તને જીવનમાં એક જ વાર મળવાની છે. એ ગિફ્ટ તને આપવાની તક હું ઝડપી લેવા માંગુ છું. તને એ ગિફ્ટ આપીને હું મારી જાતને ધન્ય સમજીશ’
મેં થોડું ખચકાતા-શરમાતા પ્રશ્નાર્થ નજરે તારી સામે જોયું અને તેં તરત જ પોકેટમાંથી એક નાનકડું બોક્સ કાઢયું. હું કશું સમજુ એ પહેલાં તે મારો હાથ ખેંચી મારી આંગળીમાં એક ખૂબ જ સુંદર હીરાજડિત વીંટી પહેરાવી દીધી. ‘તું આને એન્ગેજમેન્ટ રિંગ સમજી શકે છે. સમય મને આ તક જ્યારે આપશે ત્યારે એ રિંગ હું દુનિયા સામે તને પહેરાવીશ પણ આજે આ વાતાવરણ, આ ચાંદ અને સામે ઘૂઘવતો સાગર એ વાતના સાક્ષી છે કે આજથી તું મારી છે.’
મારા જીવનની એ અમૂલ્ય, ધન્ય અને અવિસ્મરણીય ઘડી. બસ, એ પછી થોડોક સમય બધું જ બરાબર ચાલ્યું. મેં એ વીંટીને જીવની જેમ સાચવી. મારા પ્રાણ એમાં જ વસતા હતા.
પણ એ પછીના મારા ત્રીજા જન્મદિવસે અચાનક એક તોફાન આવ્યું, જે રીતે તું આવેલો એ જ રીતે આવેલા એક વંટોળે હૃદયના દરવાજા તોડી નાખ્યા. મારે તને ઘણું પૂછવું હતું, ઘણું કહેવું હતું, પણ તું તો ગયો વંટોળની માફક. એ મધ્યરાત્રિએ મને સફેદ ગુલાબના બુકે સાથે એક ગુલાબી ખુશ્બોદાર કવર મળે છે. તારી સરપ્રાઇઝ હશે એવા વહેમમાં હું ઝૂમી ઉઠી. તારા એ શબ્દો કાગળ પર નહીં, મારા હૃદય પર લખાઈ ચૂક્યા હતાઃ ‘સારું-સારંગી, જીવનમાં ક્યારેક એવું પણ બને કે આપણે સમયને મ્હાત આપવા નીકળીએ અને સમય આપણને મ્હાત આપીને ચાલ્યો જાય. બસ, સમજ કે આજે સમય મને મ્હાત આપીને જઈ રહયો છે. આજના દિવસે તને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઈશ્વરને પ્રાર્થના કે જેવી પરીક્ષા મારી લીધી છે એવી કોઈની ન લે. હું જઈ રહ્યો છું બધાથી દૂર. કારણ પણ આપી શકું એમ નથી અને તને પૂછવાની તક પણ આપી શકું એમ નથી. તને હક્ક છે કંઈપણ વિચારવાનો. મારા તરફથી એટલું જ કે પેલી રિંગ કાઢીને ફેંકી દેજે. એમ સમજજે કે મારી લાયકાત ન હતી.’ એક સાથે અનેક સવાલોએ હથિયાર ઉગામ્યા, તને શોધવાના, પૂછવાના, જાણવાના. પણ બધું જ વ્યર્થ.’
આટલાં વર્ષો પછી આજે તને એ પણ કહેવું છે કે એ વીંટી મેં આજે ય સાચવી છે, પણ હવે એ આંગળીની વીંટી મારા ગળાનો ગાળીયો બની રહી છે. રોજ મને થોડું થોડું ભીંસે છે, સતત અને અવિરત.
એ વીંટી રોજ મને એક સવાલ પૂછે છે કે, ધારો કે આ મને તારી આંગળીમાં સોંપનાર આજે તારી સમક્ષ આવે તો?
હવે એટલું તો કહે કે, આજીવન મને યાદ રહે એવી આ ભેટ આપવા માટે તને હું નવાજું કે પછી ધિક્કારું?
– સારંગી.
(નીતા સોજીત્રા)