તાજ આર્ટ ગેલેરી, મુંબઈ ખાતે આદિજાતિ, લોકકળા ચિત્રો-કલાકૃતિઓનું પ્રદર્શન ‘રીવાઈવિંગ અર્થ મધર’

મુંબઈ – આપ જો આદિજાતિ તથા લોકકળાને લગતાં ચિત્રો અને કળાકૃતિઓનાં શોખીન-પ્રેમી હો તો એવું એક પ્રદર્શન નિહાળવાનો લાભ ચૂકશો નહીં. આવાં દર્શાવતાં ચિત્રો અને કળાકૃતિઓનાં પ્રદર્શનોનાં આયોજન માટે જાણીતી સંસ્થા પોટલીઆર્ટ્સ દ્વારા અહીં કોલાબાસ્થિત હોટેલ તાજ પેલેસની તાજ આર્ટ ગેલેરી ખાતે આદિજાતિ અને લોકકળા ચિત્રોનું પ્રદર્શન-કમ-વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો થીમ છે ‘રીવાઈવિંગ અર્થ મધર’.

મિથિલા લોકકલા – અર્ધનારીશ્વર

આ પ્રદર્શનમાં મધ્ય પ્રદેશની ગોંદ આદિજાતિ, ઓરિસ્સાની સઓરા આદિજાતિ, મહારાષ્ટ્રની વાર્લી આદિજાતિ અને પશ્ચિમ બંગાળની સાંથલ આદિજાતિના મૂળ આદિજાતિને તાદ્રશ કરતાં પેઈન્ટિંગ્સ જોવા મળે છે.

આ લોકકળાના કલેક્શનમાં પટચિત્ર (ઓરિસ્સા), કાલીઘાટ (પશ્ચિમ બંગાળ), કલમકારી (આંધ્ર પ્રદેશ), મધુબની (બિહાર)નો પણ સમાવેશ થાય છે.

ગોંદ આદિજાતિનાં રાધા-કૃષ્ણ

વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા કાગળ પર કુદરતી રંગો અને વેજિટેબલ ડાઈઝ, કેન્વાસ પર એક્રિલીક કલર્સ નિહાળવા મળે છે. આનાથી આદિજાતિ અને લોકકળાને અનોખું અને આકર્ષક સ્વરૂપ મળે છે.

પોટલીઆર્ટ્સ ટ્રાઈબલ એન્ડ ફોક આર્ટના સ્થાપક રીતુ ચંદવાનીનું કહેવું છે કે, આજના ઝડપથી બદલાતા ટેક્નોલોજીક વિશ્વમાં અમારી પોટલીઆર્ટ્સ સંસ્થા આદિજાતિ તથા લોકકળાના સદીઓ જૂના વારસા અને પ્રાચીન કળાની ઝલક પ્રસ્તુત કરે છે. ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું મૂળનું ખરા અર્થમાં પ્રતિનિધિત્વ કરતા આદિજાતિ અને લોકકળાના ભવ્ય વારસા સાથે જોડાવાનું અમને આમ સદ્દભાગ્ય સાંપડ્યું છે.

આદિજાતિ ચિત્રકારો અને કળાકારો કુદરતની નિકટ રહેનારાં હોય છે. એમની ઘણી કળાકૃતિઓ કુદરત તથા કળા, બંનેની ભક્તિથી પ્રેરિત હોય છે. એમની કળાકૃતિઓમાં જીવનવૃક્ષ, પક્ષીઓ, પશુ-પ્રાણીઓ, ગ્રામીણ દેવી-દેવતાઓ, વૃક્ષ દેવતાઓ, ગ્રામીણ જીવનશૈલી, ગ્રામીણ લોકોનાં સાદગીભર્યાં ઘરો, નૃત્ય, ખેતીવાડીની પ્રવૃત્તિઓ પ્રતિબિંબિત થાય છે.

આ પ્રદર્શન 25 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. સમય છે સવારે 10થી રાતે 8.30 વાગ્યા સુધી.