સુરતમાં રત્નકલાકારોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત્

સુરતમાં રત્નકલાકારોની હડતાલ બીજા દિવસે પણ યથાવત્ છે. જેમાં કારીગરોએ કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રત્નકલાકારોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના પગારમાં 25 ટકાનો વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ કામ પર નહીં ચઢે અને વિરોધ ચાલુ રાખશે. કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં રત્નકલાકારોએ આ વિરોધને આગળ ધપાવ્યો છે. સુરત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા છેલ્લા એક મહિનાથી જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન મળતાં રત્નકલાકારો બે દિવસની હડતાળ પર ઉતર્યા છે.

ફાઈલ ફોટો

ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતનો હીરા ઉદ્યોગ હાલ 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો માહોલમાં ઘેરાયેલો છે. આ મંદીના કારણે અનેક કારખાનાને તાળા પણ લાગી ચૂક્યા છે. જ્યારે ચાલુ રહેલા કારખાનાઓ પણ પૂરતું કામ આપી શકતા નથી, જેના લીધે 17 લાખ રત્નકલાકારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મંદીના કારણે બેરોજગાર બનેલા રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે, અને ઘણાએ આર્થિક તંગીને કારણે આપઘાત કર્યા છે. આ સ્થિતિમાં રત્નકલાકારોએ સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાયની માગણી કરી છે.

વિશ્વના 90 ટકા હીરાનું પોલિશિંગ કરતું સુરત હાલ મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની સીધી અસર રત્નકલાકારો પર પડી છે. મોટી સંખ્યામાં રત્નકલાકારો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં પ્લેકાર્ડ્સ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સરકાર પાસે આર્થિક સહાયની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો તેઓ હડતાળ ચાલુ રાખશે. રત્નકલાકારોના વધતા આપઘાતના બનાવોને ધ્યાને લઈને તેઓ મેદાનમાં ઉતર્યા છે અને સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માગ કરી રહ્યા છે.