નવી દિલ્હી: રશિયન સશસ્ત્ર દળોમાં ભારતીય નાગરિકોની થઈ રહેલી ભરતી અને તેનાથી ઉદ્ભવતા ગંભીર જોખમોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફરી એકવાર કડક ચેતવણી જારી કરી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલી નવી એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, રશિયન સેનામાં જોડાવું એ અત્યંત “જોખમી અને જીવલેણ માર્ગ” છે.
વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારે વારંવાર ભારતીય નાગરિકોને આ અંગે સચેત કર્યા છે. પરદેશમાં રોજગારી શોધતા નાગરિકોને બિનઅધિકૃત એજન્ટો કે નોકરીની બોગસ ઑફર્સથી સાવધ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.
મંત્રાલયે નોંધ્યું છે કે, કેટલાક ભારતીયો ટૂંકા ગાળાના આર્થિક લાભની લાલચમાં સ્વેચ્છાએ રશિયન સેનામાં જોડાઈ રહ્યા છે અને એવા ભ્રમમાં રહે છે કે બાદમાં ભારત સરકારનો સંપર્ક કરીને તેઓ સેનામાંથી મુક્તિ મેળવી લેશે. એટલું જ નહીં, કેટલાક કિસ્સાઓમાં લોકોએ રશિયન પાસપોર્ટ મેળવવા માટે સ્વેચ્છાએ ભારતીય નાગરિકતા છોડવા સુધીના પગલાં ભર્યા છે.
આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારનું પગલું જીવનું જોખમ ઊભું કરે છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, રશિયન દળોમાં સેવા આપી રહેલા તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને વહેલી તકે સલામત રીતે ભારત પરત લાવવા માટે ભારત સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.






