રાજકોટ: સોશિયલ મીડિયાના દુરુપયોગથી ગુનાખોરી તરફ વળવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) રીલ જોઈને અને ટેલિગ્રામ (Telegram) દ્વારા ટ્રેનિંગ મેળવીને ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતા એક શાકભાજી વિક્રેતાની સિટી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કિશન સોલંકી નામનો શખ્સ પોતાના ઘરમાં જ રૂ. ૧૦૦ અને રૂ. ૫૦૦ના દરની નકલી નોટોનું પ્રિન્ટિંગ કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને કિશન સોલંકીને રંગેહાથ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી રૂ. ૧૦૦ના દરની ૨૧૬ નકલી નોટો અને રૂ. ૫૦૦ના દરની ૩ નકલી નોટો મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે પ્રિન્ટર, સીપીયુ, મોનિટર, લેમિનેટર હીટર મશીન, બટર પેપર અને નકલી નોટ છાપવા માટે વાપરવામાં આવતો સામાન મળીને કુલ રૂ. ૬૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દેવું વધી જતાં અપનાવ્યો આસાન રસ્તો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે તે શાકભાજી વેચવાનું કામ કરતો હતો અને ઓછી આવકના કારણે તેના પર દેવું વધી ગયું હતું. ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતી વખતે તેને નકલી નોટો કેવી રીતે છાપવી તેની એક રીલ જોવા મળી હતી. આ એકાઉન્ટ ઓપરેટ કરનાર વ્યક્તિનો સંપર્ક કર્યા બાદ ટેલિગ્રામ એપ મારફતે તેણે નકલી નોટ છાપવાની આખી પ્રક્રિયા શીખી લીધી હતી. આરોપીએ ટ્રેનરને રૂ. ૧૦,૦૦૦ની નકલી નોટો આપી હતી જેના બદલામાં ટ્રેનરે તેને રૂ. ૩,૦૦૦ રોકડા આપ્યા હતા.
નાની ખરીદીમાં અને મેળામાં વટાવી નોટો
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જથ્થાબંધ નોટો વેચવાને બદલે પોતે જ નાની-મોટી ખરીદી કરીને આ નકલી નોટો બજારમાં વટાવતો હતો. છેલ્લા ચાર-પાંચ મહિનામાં તેણે રૂ. ૧૦૦ના દરની આશરે ૪૦ જેટલી નકલી નોટો બજારમાં વટાવી દીધી હતી. ખાસ કરીને તાજેતરમાં યોજાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં નાની ખરીદી વખતે આ નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી વેપારીઓને શંકા ન જાય.
કોર્ટે આરોપીના ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ રેકેટમાં સંકળાયેલા ટેલિગ્રામ ટ્રેનર અને અન્ય સાગરીતોની શોધખોળ કરી રહી છે.






