સુપ્રિમ કોર્ટનો મોટો આદેશ: ઈ-ચલાન નહીં ભરો તો વાહન થશે જપ્ત

દેશભરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ ઈશ્યુ કર્યા બાદ પણ દંડની રકમ ન ભરતા વાહનચાલકો સામે સુપ્રિમ કોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વાહનચાલક નિયત સમયમાં ચલાનની રકમ નહીં ભરે તો પોલીસ તે વાહનને તાત્કાલિક જપ્ત કરી શકશે. કોર્ટે અવલોકન કર્યું હતું કે માત્ર ડિજિટલ ઈ-ચલાન કાપવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી, પરંતુ દંડની અસરકારક વસૂલાત માટે આકરા પગલાં લેવા માટેનું સખત તંત્ર ઊભું કરવું અનિવાર્ય છે.

દેશભરમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની રકમ વસૂલવાની બાકી

‘એસ. રાજશેખરન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ કેસની ક્ષેત્રીય સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ઈ-ચલાનનો સંપૂર્ણ ડેટા માંગ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 49,000 કરોડ રૂપિયાથી વધુના ઈ-ચલાન ફાડવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 26,000 કરોડ રૂપિયાની જ વસૂલાત થઈ શકી છે, જ્યારે 23,000 કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ હજુ પણ દંડ પેટે વસૂલવાની બાકી છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વસૂલાત પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

કેવા વાહનો થશે જપ્ત? જાણો સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ પોલીસ અને વાહન વ્યવહાર વિભાગ નીચે દર્શાવેલા કિસ્સાઓમાં કાર્યવાહી કરશે:

વારંવાર ચલણ અટકાવનારા: જે વાહનચાલકોના નામે એકથી વધુ ઈ-ચલણ બાકી છે અને તેઓ વારંવાર નોટિસ આપવા છતાં ચૂકવણી નથી કરી રહ્યા, તેમના વાહનો જપ્ત કરવામાં આવશે.

રસ્તા પર રેન્ડમ ચેકિંગ: ટ્રાફિક પોલીસ રસ્તા પર ચાલતા વાહનોનું રેન્ડમ ચેકિંગ કરી શકશે. તપાસ દરમિયાન જો વાહન પર જૂના ઈ-ચલાન બાકી હોવાનું જણાશે, તો સ્થળ પર જ વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

માત્ર જપ્તી જ નહીં, આ કડક વિકલ્પો પણ અપનાવાશે

ચલણની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે સર્વોચ્ચ અદાલતે રાજ્યોને વાહન પોર્ટલ પર નીચે મુજબના આકરા પગલાં લેવા પણ સૂચના આપી છે:

વાહન સંબંધિત ઓનલાઈન સેવાઓ સસ્પેન્ડ કરવી: દંડ ન ભરાય ત્યાં સુધી વાહન માલિક આરટીઓ (RTO) સંબંધિત ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકશે નહીં.

માલિકી ટ્રાન્સફર પર રોક: દંડ બાકી હોય તેવા વાહનની માલિકી અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર (NOC) કરી શકાશે નહીં.

ફિટનેસ અને PUC આપવાનો ઈનકાર: બાકી ચલાનવાળા વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ કે પીયુસી (PUC) ઈશ્યુ કરવામાં આવશે નહીં.

વાહનને બ્લેકલિસ્ટ કરવું: વાહન પરિવહન પોર્ટલ પર આવા તમામ ડિફોલ્ટર વાહનોને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.