“મન્નુડા, તને ખબર છે ? આનંદ બક્ષી નામનો ગીતકાર બહુ મોટો ભવિષ્યવેત્તા હતો!”
અચાનક અમારા દિમાગમાં બત્તી થઈ. “અચ્છા, અચ્છા…. ‘બોબી’ ફિલ્મના પેલા ગાયનની વાત કરો છો… સોચો કભી ઐસા હો તો ક્યા હો, હમ તુમ એક કમરે મેં બંધ હો…”
“હા ઈ જ !” રણઝણસિંહ બોલી ઊઠ્યા. “મન્નુ, જરાક વિચાર કર, આજથી સુડતાળીસ વરસ પહેલાં ઈ આનંદભાઈએ-”
“લોકડાઉનની કલ્પના કરી હતી.” અમે તરત એમની વાત કાપી નાંખતાં કહ્યું, “રણઝણસિંહ, આ તો વોટ્સએપમાં આવી ગયું ! આમાં નવી વાત શું છે ?”
“નવી વાત ઈ છે કે આનંદ બક્ષીએ આખા ગીતમાં કોરોનાની જ વાત્યું કરી છે.”
“જાવ જાવ હવે -”
“મન્નુડા, એક તો આજકાલની પેઢી ગાયનની પહેલી બે લાઈનથી આગળનું કાંઈ હાંભળતી જ નથી. અને તું ય ગાયનોનાં લાકડે-માંકડાં વળગાડવામાંથી ઊંચો આવતો નથી.”
“તે આ પણ લાકડે-માંકડું જ છે ને ? કમરે મેં બંધ હો એવું લાકડું આવ્યું એટલે લોકડાઉન નામના માંકડાને વળગાડી દીધું ! ઇન્સ્ટાગ્રામમાં આવું તો રોજ હાલે છે.”
“પણ આનંદ બક્ષીએ આગળ જે પર્યાવરણનો સંદેશ દીધો છે ઈ તને ક્યાં ખબર છે ?”
“હેં ?” અમે ચમક્યા. “એ ગાયનમાં પર્યાવરણનો સંદેશ છે ?”
“છે જ ને… સાંભળ…” રણઝણસિંહે ખોંખારો ખાઈને ગળું સાફ કરતાં કહ્યું “મન્નુ, કવિએ એક એવા સુંદર સુવર્ણકાળની કલ્પના કરી છે કે આફરીન થઈ જવાય… કવિ ઓલ્યા બે ટીન-એજરુંના માધ્યમથી કલ્પનાને રજુ કરતાં કહે છે…
“બસ્તી સે દૂર, પરબત કે પીછે
મસ્તી મેં ચૂર, ઘને પેડોં કે નીચે,
અનદેખી અનજાની સી જગા હો,
બસ, એક હમ હોં, દૂજી હવા હો…”
“આહાહા…” અમે ખુશ થઈ ગયા. “વાત તો સાચી, હોં ? આજકાલ ઘરમાં બેઠેલા સૌ આવી જ રૂપાળી ધરતીની કલ્પનાં કરતાં બેઠા છે.”
“અલ્યા, કવિ આગળ શું કહે છે એ તો સાંભળ ?”
“હમ તુમ એક જંગલ સે ગુજરેં
ઔર શેર આ જાય !”
અમે ભડક્યા. “આ તો ભારે કરી !”
“ન્યાં જ તો કવિનો પર્યાવરણવાદ રંગ લાવે છે ! મન્નુડા, ઓલી છોડી ક્યે છે :
“શેર સે મૈં કહું, તુમ કો છોડ દે,
મુઝે ખા જાય..”
પણ ફિલ્મમાં દેખાડ્યું છે એમ, ઓલ્યો વાઘ પણ માનવીના પ્રાણીપ્રેમથી એટલો શાંતિપ્રિય બની ગ્યો છે કે ડિમ્પલને નખ પણ અડાડ્યા વિના વયો જાય છે !”
“લો બોલો !” અમે હસી પડ્યાં. “ખરું લાકડે-માંકડું જોડ્યું હો ?”
“મન્નુડા, લાકડે માંકડું જરાય નથી. જરાક યુ-ટ્યૂબમાં સર્ચ મારીને છેલ્લો અંતરો હાંભળ…
ક્યા હોગા કલ કિસ કો ખબર હૈ,
થોડા સા મેરે દિલ મેં યે ડર હૈ…”
“એવું છે ?”
અમે તો યુ-ટ્યુબ ખોલીને બેઠા છીએ. તમે ય ગાયન સાંભળજો….
-મન્નુ શેખચલ્લી