ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.
સિંહ:
પાછલા વર્ષોમાં કરેલી મહેનતના જોરે આ વર્ષે તમે નવું સર્જન કરી શકશો, તે મકાન કે નવું વાહન પણ હોઈ શકે. તમારા નાણા તમે સારી જગ્યાએ રોકાણ પણ કરો તેવું બને. સિંહ રાશિના જાતકો માટે વર્ષ દરમ્યાન ઘર, વાહન, પરિવાર અને વડીલો મહત્વના બની રહેશે. આ બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. સંતાનો બાબતે વધુ ખર્ચનો અનુભવ થઇ શકે. વિદેશ ગમન અને મોજ શોખ પાછળ ખર્ચ આવી શકે. મહત્વની ના હોય તેવી ચીજો પાછળ મોટો ખર્ચ થાય તેવું બની શકે, માટે આ બાબતે ધ્યાન રાખશો.
ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૯ તમારી માટે સફળતાનો સંદેશ લઈને આવે તેવું બને. એપ્રિલ ૧૯ પછી આર્થિક બાબતો અને સામાજિક બાબતોમાં તમને સફળતા મળી શકે. જુન ૧૯નો મધ્યભાગ તમને પડકાર જનક લાગી શકે, મંગળ અને રાહુનું મિલન થોડો સમય તકલીફ પણ આર્થિક લાભનું સર્જન પણ કરશે.
પ્રેમ સંબંધોમાં સફળતા માટે હજુ વધુ રાહ જોવી પડી શકે. ડીસેમ્બર ૨૦૧૮ સુધી સપ્તમ ભાવે મંગળ લગ્ન વિષયક બાબતોને તમારા જીવનમાં વધુ મહત્વ આપી દેશે. વર્ષ દરમ્યાન લગ્ન વિષયક નિર્ણય માટે તમારે જાતે મક્કમ રહેવું પડે તેવું બને. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત પછી જ સફળતા મળે તેવું બની શકે.
નીરવ રંજન