આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: સ્ત્રી સશક્તિકરણનું સૌથી સબળ માધ્યમ હોય તો તે શિક્ષણ છે. શિક્ષણથી જ સ્ત્રીઓ પોતાના હકો અને અધિકારોની સમજ મેળવે છે. શિક્ષણથી જ સ્ત્રીના સ્વનિર્ભર બનવાનો માર્ગ ખૂલે છે. જે કુંટુંબમાં માતા શિક્ષિત હોય છે તેની આવનારી પેઢી નિશ્ચિતપણે સાક્ષર અને ઉત્તમ નાગરિક બને છે. આખા સમાજની વિકાસની પારાશીશી સ્ત્રીના વિકાસથી માપવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લામાં ૧૫ વર્ષ કે તેથી વધુ ઉંમરની નિરક્ષર મહિલાઓને શિક્ષિત કરવાની ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા નિરંતર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯ થી શરૂ કરવામાં આવેલા સાક્ષરતા પ્રોજેકટ અંતર્ગત જિલ્લાના ૪ તાલુકાની ૪૦૦૦ નિરક્ષર મહિલાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવ્યું છે. ધાનપુર, લીમખેડા, ગરબાડા અને ઝાલોદ તાલુકાના ૧૦-૧૦ ગામોની ૧૦૦ મહિલાઓને ત્રણ મહિના સુધી ૧ થી ૩ ધોરણ સુધીનો અભ્યાસક્રમ શીખવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નિરક્ષર મહિલાઓને વાંચતા-લખતા અને સરવાળા-બાદબાકી જેવી સામાન્ય ગણતરીઓ ઉપરાંત તેમને સ્વચ્છતા, આરોગ્ય, માર્ગ સલામતી, ટ્રાફીક નિયમો, બાળકોના શિક્ષણ બાબતે પણ સમજ આપવામાં આવે છે. ર૦ નિરક્ષર મહિલાઓ દીઠ ધોરણ ૧૨ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા એક સ્વંયસેવકની શિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવે છે. સમય અને સ્થળ મહિલાઓને અનુકુળ હોય તેવા પસંદ કરવામાં આવે છે. જે સવારના ૭ થી ૮ પણ હોઇ શકે અને સાંજના ૮ થી ૯ પણ. ત્રણ મહિના સુધી રોજ એક કલાક સૌ મહિલાઓને અનુકુળ હોય તેવા નજીકના જ કોઇ ઘરને ક્લાસરૂમ બનાવીને શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ માટેની સામગ્રી જેવી કે પાટી-પેન, સાહિત્ય વિગેરે પણ નિશુલ્ક આપવામાં આવે છે.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં શરૂ કરવામાં આવેલો આ પ્રોજેકટ ખૂબ જ સફળ થઇ રહ્યો છે. ગ્રામ્ય નિરક્ષર મહિલાઓએ સાક્ષર બનવાની આ તકને ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી લીધી છે. હાલમાં ફતેપુરા તાલુકાના ૧૦ ગામો જેમાં જગોલા, ડુગરા, પાટવેલ, નવા તલાવ, ઘુઘસ, જવેસી, ફતેગડી, ઇટા, મોટીબારા અને નાના બોરીદા ગામમાં આ સાક્ષરતા પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
નાના બોરીદા ગામના સ્વંયસેવક અનિલકુમાર મછાર સાથે વાત કરતા જણાવે છે કે, ‘અહીં નાના બોરીદા ગામમાં બપોરના ૨ થી ૩ વાગ્યા સુધી રોજ એક કલાક ભણાવામાં આવે છે. સરકાર દ્વારા ઘરઆંગણે શરૂ કરવામાં આવેલા શિક્ષણકાર્યથી સૌ મહિલાઓ ખૂબ ખુશ છે અને ઉત્સાહપૂર્વક અભ્યાસ કરે છે.’ અહીં અભ્યાસ કરવા આવતા દલીબેન મછાર ૪૫ થી વધુ ઉંમરના છે તેમના પુત્ર પુત્રી પણ પરણી ગયા છે પરંતુ નિરક્ષરતાના લેબલ સાથે તેમને જીવવું ગમતું નથી માટે આ વર્ગખંડમાં એકડા ઘુંટી રહ્યા છે. દલીબેન જણાવે છે કે, ‘દુનિયાના કદમથી કદમ મીલાવવા માટેનું પહેલું પગથિયું એ શિક્ષણ છે. આ ઉંમરે પણ સરકારે અમારી ભણવા માટેની વ્યવસ્થા કરી છે તે માટે ખૂબ ઘન્યવાદ.’ અહીં ભણવા આવતા ૪૫ વર્ષના સવિતાબેન મછારના ૩ દિકરા અને ૪ દિકરીઓ છે. દિકરા દિકરીઓ તો ઘરસંસારમાં વ્યસ્ત છે પરંતુ સવિતાબેન બપોરના નવરાસના સમયનો સદુપયોગ શિક્ષણ મેળવવા કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ‘શિક્ષિણ મેળવવાની મારી ખૂબ ઇચ્છા હતી પણ મોટી ઉંમરે એ શક્ય નહોતું પરંતુ સરકારે કરેલી શિક્ષણની વ્યવસ્થા અમારા માટે મોટા આર્શીવાદ સમાન છે.’
પાટી પેન લઇને મોટી ઉંમરે એકડા ઘુંટી રહેલી મહિલાઓને જોઇને નવાઇ લાગી શકે છે પરંતુ સાક્ષરતા મેળવ્યા બાદ તેમની જિંદગીનો કક્કો ખરો પડશે એ પાકું છે. દાહોદ જિલ્લામાં સ્ત્રી સાક્ષરતાનો દર ૫૦ ટકા કરતા પણ નીચે છે ત્યારે સ્ત્રીસશક્તિકરણની દિશામાં જિલ્લામાં થઇ રહેલું આ કાર્ય સૌથી સબળ અને પ્રશંસનીય છે.
(મહેન્દ્ર પરમાર)