‘જય મોદીજી…’ સવારના ઉઠતાંની સાથે ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ એવું વડીલો કહી ગયા છે ને? એટલે જ આજકાલ સવાર સવારમાં રોજ મોદીજીનું નામ લઉં છું. જે કંઈ ‘ઇષ્ટ’ યાને કે મનવાંછિત થવાનું છે એ તો એમના જ હાથમાં છે ને?
*
બ્રશ કરતાં કરતાં દાઢી ઉપર નજર ગઈ. મનમાં થયું, અક્ષયકુમાર જેવો લાગું છું નહિ?
ત્યાં તો પત્ની પાછળથી બોલી, “સાવ આળસુ થઈ ગયા છો. છેલ્લા સાત દહાડાથી દાઢી નથી કરતા. આજે તો કરો! કે પછી પોતાની જાતને અક્ષયકુમાર સમજો છો?”
– બે યાર, પત્નીને આપણા વિચારો શી રીતે વંચાઈ જાય છે?
*
સાત દિવસની વધેલી દાઢી કંઈ મામૂલી રેઝરથી થોડી થાય? માંડી વાળ્યું…
પણ સાલી માથાના વાળમાં કરેલી ડાઈ બહુ વિચિત્ર લાગે છે. સફેદ, ઓરેન્જ, લાલ, બ્રાઉન અને બ્લેક એમ ‘પચરંગી’ કલરનું ઘાસ માથે ઊગ્યું હોય એવું દેખાય છે.
માથું ખંજવાળતો ઊભો હતો ત્યાં પત્ની પાછળથી બોલી. “કાળી મહેંદી પલાળું છું. થોડી વધારે પલાળું? તમારે નાંખવી છે?”
લો બોલો, હવે પલાળ્યું જ છે તો… મૂંડાવવું જ પડશે ને!
બપોરે ખાવાનું વધારે પડતું ખવાઈ ગયું. હવે સાલી ઊંઘ વધારે આવશે… ઊંઘ વધારે આવશે એટલે નસકોરાં બોલશે… નસકોરાં બોલશે એટલે પત્ની ચીડાશે! કાચી ઊંઘમાંથી હલબલાવીને ઊઠાડી મૂકશે… સાલી, આખી ઊંઘની મઝા બગાડી નાંખશે… ઉપરથી ખખડાવશે : “ખાવામાં જરા કંટ્રોલ રાખતા હો તો? જુઓ, ફાંદ વધી ગઈ છે પંદર દિવસમાં…”
આમાં વાંક મારો છે જ નહિ! બપોરે જમતી વખતે થોડું જ ખાઈને ઊભો થવા જતો હતો ત્યાં પત્નીએ આવીને તપેલું સામું ધર્યું હતું. “કહું છું, સાંજની દાળ-ઢોકળી વધી છે તે પતાવી નાંખો ને! આજકાલ કામવાળી યે નથી આવતી… પછી બગડી જશે…”
જોકે વાંક મારો પણ ખરો કારણ કે યાર, પત્ની દાળ-ઢોકળી બહુ મસ્ત બનાવે છે!
*
ઊંઘીને ઊઠ્યો ત્યારે ઘરમાં અંધારું હતું. સાલું, સાંજ પડી ગઈ કે રાત? હું આટલું બધું ઊંઘ્યો ?
– પછી ખ્યાલ આવ્યો કે પત્નીએ બારીના પરદા પાડી રાખ્યા છે! મને તો એમ કે એ આવું માત્ર રવિવારે જ કરતી હશે… આજે કયો વાર છે? કેલેન્ડર જોવું પડશે…
*
થયું કે પત્નીને હેલ્પ કરવી જોઈએ. ઊઠીને બપોરની ચા મૂકવા કીચનમાં ગયો. મનમાં ડર હતો કે દૂધ, ખાંડ, ચાય પત્તી, ગળણી, સાણસી, તપેલું વગેરે જડશે નહિ, પણ બધું જડી ગયું.
ચા ઉકળી રહી હતી ત્યારે થયું કે દૂધ જરાક ઓછું લાગે છે. ફ્રીજમાં એક નાની તપેલીમાં અલગ મુકી રાખેલું દૂધ કાઢીને ચામાં ઉમેર્યું…
થોડી જ વારમાં ચામાંથી સફેદ ફોદા નીકળવા માંડ્યા ! એવામાં પત્ની આવી પહોંચી. મારા હાથમાં ઝાલેલી નાની તપેલી જોઈને કહે છે : “હાય હાય ! એમાં તો છાશ હતી !”
– હે મોદીજી, આ લોકડાઉન ક્યારે ખોલશો ?
-મન્નુ શેખચલ્લી
