ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા મહિલાઓની પણ ભૂમિકા મહત્વની રહી છે. મહિલા મતદારો અને મહિલા ઉમેદવારો પણ તમામનું ધ્યાન દોરવામાં સફળ રહે છે.
વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 12ની જીત થઇ હતી અને તેમની સફળતાની ટકાવારી 63.16 ટકા રહી હતી. આવી જ રીતે કોંગ્રેસ તરફથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 12 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી, જે પૈકી ચાર મહિલાઓ ચૂંટાઈ આવવામાં સફળ રહી હતી. સફળતાની ટકાવારી 33.33 ટકા રહી હતી.
ગુજરાત વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની વાત કરવામાં આવે તો વર્ષ 1960માં મહિલા ધારાસભ્યની સંખ્યા 12 રહી હતી. જયારે 2012માં મહિલા ધારાસભ્યોની સંખ્યા 16 નોધાઈ હતી. છેલ્લા એક દશકમાં ગુજરાત કેબિનેટમાં એક માત્ર મહિલા કેબિનેટ પ્રધાન આનંદીબહેન પટેલ નજરે પડ્યા છે. નરેન્દ્ર મોદી સરકારમાં આનંદીબહેન કેબિનેટ કક્ષાના પ્રધાન હતા. પટેલ સમુદાય ગુજરાતમાં ખુજ પ્રભાવશાળી છે અને તેમની ભૂમિકા ચૂંટણીમાં નિર્ણાયક રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વડાપ્રધાનપદ સંભાળ્યું પછી આનંદીબહેન પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા.
માયાબેન કોડનાની મહિલા અને બાળવિકાસપ્રધાન તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. જ્યોતિબેન ત્રિવેદી અને નિર્મલા વઘવાણી પણ મહિલા પ્રધાન તરીકે રહી ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની બેઠકોમાં નવ ટકા બેઠકો મહિલાઓ ધરાવે છે. એક બાજુ સરકાર લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા અનામતની વાતો કરે છે, ત્યારે મહિલાઓની ભૂમિકા હાલમાં ખુબ ઓછી રહી છે. રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વની વાત આવે છે ત્યારે મહિલા ધારાસભ્યોની સંખ્યા ક્યારેય પણ 16થી વધારે થઇ નથી. જે કુલ સંખ્યાબળના નવ ટકાથી ઓછી છે. ગુજરાત વિધાનસભામાં 2012, 2007 અને 1985માં ત્રણ વખત 16 મહિલાઓ ધારાસભ્યો જોવા મળ્યા છે. 33 ટકા અનામતની વાત થઇ રહી છે, ત્યારે આ સંખ્યા નહિવત સમાન છે. જોઈએ હવે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કેટલી મહિલાને ટિકિટ આપે છે.