બેસતું વરસ: જેની શરૂઆત સારી એનું બધુજ સારું

શિવપુરાણ અનુસાર શિવ એક અગ્નિ સ્તંભ સ્વરૂપે છે. એક દિવસ એનું વિસ્તરણ થયું અને એક પ્રચંડ ધડાકા સાથે એનું વિભાજન થયું અને એમાંથી સમગ્ર સૃષ્ટિની રચના થઇ. કોઈ વિદેશી વાતનો આધાર આની સાથે મળે છે? બિગબેંગ થીયરી પહેલા આવી કે પછી શિવપુરાણ? જેમ સૃષ્ટિની શરૂઆત વિશે શિવપુરાણમાં વાત છે એવું ઘણું બધું જ્ઞાન વેદોમાં પણ છે. ભારત એટલે વેદોનો દેશ. જેમાં એવી ઘણીબધી વાતો છે જેમાં વિજ્ઞાન છે. એ વેદોનું જ્ઞાન કોને છે? કોઈ પણ શરૂઆત પ્રચંડ હોય તો તે અવિનાશી બની શકે છે. નવા વરસની શરૂઆત પણ એવી જ હોવી જોઈએ. તેથીજ નવા વરસે નવા નિર્ધાર કરવામાં આવે છે. એક પ્રચંડ મનોબળ સાથે એ નિર્ધાર પુરા કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ એમાં પરિણામો મળે.

દિવાળીનો બીજો દિવસ એટલે બેસતું વરસ. અમાસ પછીના અજવાસની શરૂઆત. એ શરૂઆત આ જ દિવસે શા માટે એ સમજવું હોય તો જરા કુદરતને સમજવી પડે. બેસતું વરસ અને વિજ્ઞાન બંને એક બીજા સાથે સંકળાયેલા છે. નવા વરસે વહેલા ઉઠી અને આંગણામાં રંગોળી પુરવામાં આવે. એના રંગો કુદરતી હોય એટલે ઘરમાં જીવજંતુ ન આવે. વળી રંગો જાણે આવકારતા હોય એવું લાગે. રંગોળી એટલે આમંત્રણની ગ્રાફિક ડીઝાઇન. ભલે પધાર્યા ન લખ્યું હોય તો પણ આવકારો લાગે. દરવાજા પર તોરણ સજાવેલા હોય અને એનાથી પણ વિશેષ માણસોના મુખ પર સ્મિત સજાવેલા મળે. માણસને હંમેશા માણસો ગમે છે. વરસની શરૂઆતમાં જ ગમતા માણસોને મળવાનું થાય એટલે પ્રફુલ્લિત થઇ જવાય. નવા વસ્ત્રો સાચેજ નવાપણું આપે. ક્યારેક કોઈ કારણ વિના ઘરમાં નવા વસ્ત્રો પહેરી જોજો. સારું લાગશે. તમને તમારા પોતાનાથી પણ સન્માન મળતું હોય એવી લાગણી થશે. તેથીજ તહેવારોમાં નવા કપડા પહેરવાનો રીવાજ હશે.

બેસતા વરસે બધા એકબીજાને મળવા જાય. જૂની કડવાસ ભુલાતી જાય અને નવા તાજા સંબંધો રહી જાય. વળી ચરણ સ્પર્શ અને નમસ્કારની મુદ્રા એ બધાની પાછળ પણ વિજ્ઞાન તો ખરું જ. બંને પ્રક્રિયાઓ સકારાત્મક ઉર્જા આપવા સક્ષમ છે. એવું કહે છે કે જેની શરૂઆત સારી એનું બધુજ સારું. તો સારી શરૂઆત તો થઇ જ ગઈ ને? જો દરેક જગ્યાએ સારી શરૂઆતનું મહત્વ સમજાઈ જાય તો જીવન સફળ થઇ જાય. સંબંધોમાં શરૂઆત સારી હોય તો એ સંબંધો લાંબા ચાલે. ધંધાની શરૂઆત સારી હોય તો એમાં આત્મવિશ્વાસ વધે અને એમાં નવતર પ્રયોગો કરવાની ઈચ્છા થાય. એવું દરેક જગ્યાએ શક્ય છે. તો સારી શરૂઆત કેવી રીતે થાય? એ જ રીતે જે રીતે આપણે નુતન વર્ષની શરૂઆત કરીએ છીએ. અંધકાર પછીના ઉજાશની શરૂઆત. જીવનને સમજી અને તક માટે આમંત્રણ આપી સકારાત્મક અભીગમ સાથે પુરા જોમ અને સમજણ સાથે શરૂઆત થાય તો? અને એમાં અંગત, ગમતા લોકોનો સહકાર મળી જાય. બસ પછી બધું જ હર્ષમય બની જાય.

નુતન વર્ષાભિનંદન.

(મયંક રાવલ- વાસ્તુ સાયન્ટીસ્ટ)