ભાઈ બીજ: પ્રથમ સંતાન દીકરી હોય તો તો કહેવાનું જ શું?

સંપૂર્ણ કુટુંબ એટલે એક પતિ, એક પત્ની, એક દીકરો અને એક દીકરી. દીકરીનું કન્યાદાન અને દીકરાના હાથે અગ્નિ સંસ્કાર એ બંને મોક્ષના માર્ગમાં મદદ કરે. કેવી સુંદર વિચારધારા? એ સમાજમાં દીકરીને એટલું મહત્વ મળે કે એનો જન્મ ઉત્સવ બની જાય. પછી બેટી બચાવો જેવા સ્લોગનની જરૂર જ ન પડે. દીકરી લક્ષ્મીનો અવતાર ગણાય. એમાય પ્રથમ સંતાન દીકરી હોય તો તો કહેવાનું જ શું? જયારે સમાજ રચનાના સિદ્ધાંતો સન્માનથી ભરેલા હોય ત્યારે તહેવારો પણ વિશિષ્ઠ હોય.

ભાઈ બહેનના પ્રેમનો તહેવાર વીરપસલી કે રક્ષાબંધન હોય કે પછી ભાઈબીજ હોય એમાં બહેન ભાઈના માટે ઈશ્વરને શ્રેષ્ઠતા માંગે અને સામે ભાઈ બહેનને એને ગમતી વસ્તુ આપે. પુરુષપ્રધાન સમાજમાં નારી પોતાનાથી થતું જે કરી શકે એ કરે અને એની સામે ભાઈ એને ગમતી વસ્તુ આપે. ભાઈ બહેનની રક્ષા કરે એવી વાત કાલ્પનિક છે. હુમાયુને મોકલાયેલ રાખડી વાળી વાતને મૂળ તહેવાર સાથે કોઈ લેવાદેવા નથી. મહાભારતના યુદ્ધમાં માતા કુંતીએ અભિમન્યુની રક્ષા માટે રાખડી બાંધી હતી. એવી જ રીતે રક્ષા માંગવાનું કામ બહેન જ કરી શકે. કારણકે એ જગ્યાએ લાગણીના વહેણ હોય છે. આવી બહેન સાસરે ગઈ હોય અને તહેવાર આવે ત્યારે એના માટે શું થઇ શકે?

દિવાળી એટલે ભારતનો મુખ્ય તહેવાર. આવો તહેવાર ઉજવાય એટલે ઘરની જે સાચી સ્થિતિ છે એ દેખાય જ. એવા તહેવાર પછી વહુનો ભાઈ આવે અને જુએ કે ઘરની સ્થિતિ યોગ્ય નથી તો એ પોતાની બહેનને એક પરંપરાના ભાગ રૂપે કંઈક મદદ કરે જે ભેટ ગણાઈ જાય. કોઈએ કોઈની પાસે માંગણી ન કરવી પડે અને તો પણ દીકરીનું ઘર સચવાઈ જાય. દીકરી સાસરે ગઈ એટલે સાવ પારકી થોડી જ થઇ જાય છે? હા કારણ વિના એના ઘરમાં દરરોજ ન પડાય પણ વારે તહેવારે એને સાચવી તો લેવાય ને? જેણે પણ આ વ્યવસ્થા વિચારી હશે એ ખરેખર મહાન હશે. હવે આટલા વરસો પછી કોર્ટે દીકરીને માતાપિતાની સંપત્તિમાં અધિકાર આપ્યો છે પણ આપણા દેશમાં તો આવો વિચાર અન્ય સ્વરૂપે વરસોથી ચાલતો આવે છે.

ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે જમવા જાય. બંને મળે સુખ દુઃખની વાત કરે. એવું કહે છે કે સહોદરથી વધારે સારા મિત્રો ભાગ્યેજ મળે છે. ગમે તેટલા સારા મિત્રો હોય તો પણ અંગત વાત કરવા માટે સહોદર જ યાદ આવે. ભાઈને કોઈ મુંજવણ હોય તો એ બહેનની સાથે વાત કરીને હળવો થાય. વળી એ સાબિત પણ થયું છે કે પુરુષ કરતા સ્ત્રીમાં સૂઝ વધારે હોય છે. તેથી બહેનની સલાહ સારી રીતે કામ પણ કરે. બહેનને મળવાના બહાને ભાઈ પણ બહેનની સ્થિતિ પામી શકે. આમ સાવ સામાન્ય દેખાતું પર્વ જીવનના ઘણા મોટા ભાગને સરળ બનાવી નવજીવનનું જોમ આપી શકે છે. ચેતના આપી શકે છે.

(મયંક રાવલ- વાસ્તુ સાયન્ટીસ્ટ)