પરમાર્થ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન પંચમભાઈ પોતાની ઓફિસમાં આવીને બેઠા અને છાપું ખોલ્યું. પટાવાળાએ ગરમ ગરમ ચાનો કપ અને બે બિસ્કિટ સાથેની એક નાની પ્લેટ તેમના ટેબલ પર મૂકી.
છાપામાં પહેલા જ પાના પર સમાચાર હતા: ‘કોવીડના ત્રીજા વેવની આશંકા’. આપવામાં આવેલી વિગત ધ્યાનથી વાંચીને તેઓ બીજા સમાચારો તરફ આગળ વધ્યા પરંતુ કોવીડનો ત્રીજો વેવ આવે તો તેની તૈયારી શું? તેમણે બેલ મારીને પટાવાળાને બોલાવ્યો.
‘જી સાહેબ.’ નિવૃતિને આરે પહોંચેલો પટાવાળો સલામ ઠોકીને ઉભો રહ્યો.
‘સ્ટોક મેનેજરને બોલાવો. મારે સ્ટોક વેરિફિકેશન કરવું છે.’ ડીને આદેશ આપ્યો એટલે પટાવાળો ચાલ્યો ગયો.
થોડીવાર થઇ એટલે બ્લેક પેન્ટ, બ્લુ શર્ટ અને રેડ ટાઈ લગાવેલો યુવાન ‘મે આઈ કમ ઈન સર?’ કહેતા તેમની ઓફિસમાં પ્રવેશ્યો.
‘આવો પ્લીઝ.’ ડીને યુવાનને સામેની ખુરસી પર બેસવા ઈશારો કર્યો.
‘મારે મેડિકલ સ્ટોક વિશે થોડી ચર્ચા કરવી હતી. તમારી પાસે દરેક જરૂરિયાતની દવાઓ અને સાધનોનો પૂરતો પુરવઠો તો છે ને?’ ડીને વાતની શરૂઆત કરી.
‘સાહેબ, આમ તો બધું ઠીકઠાક સ્ટોકમાં છે પરંતુ આપણી હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડર ખૂટી ગયા છે. પેશન્ટને જરૂર પડશે.’ સ્ટોક મેનેજરે હોસ્પિટલના ડીનને જાણ કરી.
‘ઓહ, આજે જ ઓર્ડર આપી દો. ઓક્સિજનનો પૂરતો સ્ટોક રાખવો જરૂરી છે.’ અનુભવી ડોક્ટર પંચમભાઈએ માત્ર ત્રણ મહિનાથી જ સરકારી મેડિકલ કોલેજના ડીનની પોસ્ટ સાંભળેલી. ધીમે ધીમે તેમની સામે એવા કેટલાય મેનેજમેન્ટના પ્રશ્નો આવી રહ્યા હતા જે એક તબીબી ડોક્ટર તરીકે તેમની જાણમાં ન હોય.
‘હા સાહેબ. ફાઈલ ચલાવી દઉં છું. એકાદ મહિનામાં આવી જશે.’ સ્ટોક મેનેજરે ડીનની રજા લેતા કહ્યું.
‘એકાદ મહિનામાં?’ પંચમભાઈને આશ્ચર્ય થયું.
‘હા સાહેબ. ક્વોટેશન લેવાના, ઓર્ડર મુકવાનો, એડવાન્સ પેમેન્ટ કરવાનું એ બધુંય થઈને એકાદ મહિનો તો દર વખતે થઇ જ જાય છે.’
‘ઓહ, એટલો મોટો ખર્ચ છે?’ ડીને મુદ્દો સમજવાની કોશિશ કરી.
‘ખર્ચ તો બહુ મોટો નથી સાહેબ પણ સરકારી પ્રક્રિયા તો અનુસરવી પડે ને.’
‘હા પણ તમને ખબર છે ને સેકન્ડ વેવમાં આપણે ત્યાં કેટલાય લોકો માટે ઓક્સિજનના સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા મુશ્કેલ પડી ગયા હતા. આ વખતે આમ તો આપણે સજ્જ છીએ પરંતુ આફત આવશે તો કેટલી મોટી આવશે તેનો આપણને ખ્યાલ નથી એટલે સપ્લાઈ પૂરતા પ્રમાણમાં હોવી જરૂરી છે.’ ડીને સ્ટોક મેનેજરને લોજીક આપતા કહ્યું.
‘સર, માત્ર ઓર્ડર કરીને સિલિન્ડર લેવામાં જ નહિ પરંતુ તેને ગોડાઉનમાં સ્ટોક કરવામાં પણ મર્યાદા છે. આપણે બહુ કરીને પણ કેટલા સિલિન્ડર સ્ટોકમાં રાખીએ?’ સ્ટોક મેનેજરે કહ્યું.
‘વાત તો સાચી. આપણે જનરેટર જ લઇ લઈએ તો?’ ડીને સૂચન કર્યું.
‘સાહેબ, વિચાર તો સારો છે. પરંતુ નાનું જનરેટર લેવા માટે પણ બે-ત્રણ કરોડ તો મિનિમમ જોઈશે. એટલું બજેટ તો આપણી પાસે નથી. તમે કહો તો તેની પણ ફાઈલ શરુ કરી દઉં?’ સ્ટોક મેનેજરે પૂછ્યું.
‘હા તે પણ ફાઈલ પર પ્રોસેસ કરી દો. કોશિશ કરીએ જેટલું જલ્દી થઇ જાય તેટલું સારું.’ પંચમભાઈને વધારે આશા ન દેખાઈ.
આ વાતને ત્રણેક મહિના વીતી ગયા. ઓક્સિજનનો સ્ટોક આવી ગયો. પૂરો પણ થયો. નવા સ્ટોક માટે ઓર્ડર પણ મુકાયો. જનરેટરની ફાઈલ ચાલી અને હજી અલગ અલગ સ્થળે મંજૂરી માટે ફરી રહી હતી.
‘મે આઈ કમ ઈન સર?’ ડીનના દરવાજે ટકોરા પડ્યા અને સ્ટોક મેનેજરે ડોકિયું કર્યું.
‘આવો પ્લીઝ.’ પંચમભાઈએ તેમને ખુરસી પર બેસવા કહ્યું.
‘થેન્ક યુ સર. તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી.’ સ્ટોક મેનેજર થોડો ચિંતામાં લાગતો હતો.
‘હા બોલો. શું થયું?’
‘આજના સમાચાર વાંચ્યા સર તમે? ફરીથી કોવીડના કેસ વધી રહ્યા છે અને ઓમઇક્રોન પછી હવે ડેલ્ટા અને ઓમિકરોનનો મળીને નવો વેરિએન્ટ આવ્યો છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આપણે ત્યાં ફરીથી ઓક્સિજનનો સ્ટોક ખૂટવા પર છે. મે આજે સપ્લાયર સાથે વાત કરી તો તેણે કહ્યું કે દિલ્હી અને મુંબઈના ઓર્ડર વધી રહ્યા છે. ઉપરથી સપ્લાઈ ઘટી રહી છે. શક્ય છે ઓક્સિજન રેશનીંગમાં મળે.’ સ્ટોક મેનેજરે પોતાની ચિંતા અને તેની પાછળનું કારણ ડીન સામે રજુ કર્યું.
‘ઓહ માઇ ગોડ. મને આ જ વાતની ચિંતા હતી. આપણે કોવીડના બીજા વેવ પછી પણ કેટલા સજ્જ થયા છે તેની આ તસ્વીર છે. આપણી જનરેટરની ફાઈલ ક્યાં પહોંચી?’ ડીને બેચેન થતા પૂછ્યું.
‘સર ફાઈલ તો હજી પછી આવી નથી.’ સ્ટોક મેનેજર પાસે બીજો કોઈ જવાબ નહોતો.
‘આપણે જ કૈંક કરવું પડશે.’ ડીને મનમાં કોઈ વિચાર વાગોળતા કહ્યું.
પંચમભાઈએ બે-ત્રણ કલાક સુધી અલગ અલગ ઓફિસોમાં ફોન કરીને ફાઈલ અંગે તપાસ કરવાની કોશિશ કરી પરંતુ કોઈ જ માહિતી ન મળી. તેમની બેચેની વધતી જતી હતી. જો ત્રીજો વેવ આવે તો ઓક્સિજનની અછતને કારણે તેમની હોસ્પિટલમાં કોઈ જ દર્દીનો જીવ જાય તે તેમને મંજુર નહોતું. કોઈક તો ઉપાય કરવો પડશે કે જેથી હોસ્પિટલ માટે જનરેટર વસાવી શકાય.
ત્રણ દિવસ પછી ડીને ફરીથી સ્ટોક મેનેજરને પોતાની ઓફિસમાં બોલાવ્યો.
‘જી સર. આપે મને યાદ કર્યો?’ યુવાને ઓફિસમાં પ્રવેશતા પૂછ્યું.
‘હા જી. બેસો. જનરેટર આવશે તો ક્યાં ઇન્સ્ટોલ કરાવશો? એન્જીનીઅર આજે બપોર પછી હોસ્પિટલનો ટેક્નિકલ સર્વે કરવા આવશે અને તમારી સાથે જનરેટર સેટ લગાવવા માટે ચર્ચા કરશે.’ ડીને કહ્યું.
‘સર, મંજૂરી મળી ગઈ? આટલી જલ્દી?’ સ્ટોક મેનેજરને આશ્ચર્ય થયું.
‘હા, મળી ગઈ. આટલી જલ્દી.’
‘પણ સર મારી પાસે તો કોઈ ફાઈલ નથી આવી હજુ.’
‘ફાઈલ પર નહિ ટ્વિટર પર. મંજૂરી ટ્વિટર પર મળી છે. મે આપણા પ્રધાનમંત્રીને ટ્વિટ કરેલું કે આપણી હોસ્પિટલમાં જનરેટરની જરૂર છે. જવાબમાં મારો ફોન નંબર માંગ્યો. મે રિટ્વિટ મેસેજ કરીને મારો ફોન નંબર મોકલ્યો તેના એક કલાકમાં પ્રધાનમંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો અને તેના એક કલાકમાં જનરેટર બનાવનાર કંપનીમાંથી ફોન આવ્યો. આજે તેઓ એન્જીનીયરને મોકલશે.’ પંચમભાઈએ ખુશ થતા બધી વિગત જણાવી.
‘પણ બજેટ?’ સ્ટોક મેનેજરની ચિંતા હજુ યથાવત હતી.
‘પીએમ કેર્સ ફંડમાંથી ડાઇરેક્ટ પેમેન્ટ થઇ જશે.’ પંચમભાઈએ સ્મિત સાથે કહ્યું.
‘આઈ સી.’ સ્ટોક મેનેજરના ચેહરા પર પણ સ્મિત આવ્યું.
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)