લીલી પરિક્રમા-૨૦૨૬ : લાખો ભાવિકોની સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ

જૂનાગઢ: ભક્તિ, પ્રકૃતિ અને અતૂટ શ્રદ્ધાના મહાસંગમ સમાન પવિત્ર ‘ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬’નો આગામી ૨૦થી ૨૪ નવેમ્બર દરમિયાન જૂનાગઢના ગિરનાર ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે લાખોની સંખ્યામાં આવનાર ભાવિકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે.

પરિક્રમા દરમિયાન યાત્રિકો કોઈપણ અગવડતા વિના નિર્વિઘ્ને અને સુરક્ષિત રીતેઆ પવિત્ર યાત્રા પૂર્ણ કરી શકે તે હેતુથી જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તા. ૨૦ નવેમ્બરની મધ્યરાત્રીએ પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે.

૧. વન અને પર્યાવરણ મંત્રીનો વિશેષ અનુરોધ

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતેથી સર્વે શ્રદ્ધાળુઓને ગિરનાર લીલી પરિક્રમાની શુભકામનાઓ પાઠવતા પ્રકૃતિનું જતન કરવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરી છે. તેમણે પરિક્રમા પથની પવિત્રતા જાળવવા પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો કે અન્ય ચીજવસ્તુઓ સાથે ન લઈ જવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, પીવાના પાણીની મર્યાદિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને બાળકોને સાથે ન લાવવા, જંગલમાં સૂકા ઘાસને કારણે આગ લાગવાના ભયથી બીડી, સિગારેટ કે જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ટાળવા તથા ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વધુ વસ્તી હોવાથી નિર્ધારિત રૂટની બહાર ન જઈ સમૂહમાં જ ચાલવા ખાસ અનુરોધ કર્યો છે.

૨. પીવાના પાણી અને સ્વચ્છતાની વિશેષ વ્યવસ્થા

  • પરિક્રમા રૂટના સૌથી ઊંચા અને કઠિન ગણાતા નળ પાણીની ઘોડી વિસ્તાર સહિત સમગ્ર માર્ગ પર પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૩૩ બોર, ૯ કૂવા, ૭ હેન્ડપંપ અને ૫,૦૦૦ લિટરની ક્ષમતાવાળી ૫૦ ટાંકીઓ દ્વારા સતત પાણી પૂરું પાડવામાં આવશે.

  • આ માટે ૨૮ પંપ અને ૩૦ ડી.જી. સેટ કાર્યરત રહેશે, તેમજ ત્રણ ઝોનમાં ૧૬ કર્મચારીઓ મોનિટરિંગ કરશે અને ૧૧ કર્મચારીઓ સાથે ૨૪ કલાક કંટ્રોલ રૂમ તથા લેબોરેટરી દ્વારા પાણીનું નિયમિત ક્લોરિનેશન અને પરીક્ષણ કરવામાં આવશે.

  • જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૪૩ લાખ લિટરના ભૂગર્ભ સંપ, બે ઊંચી ટાંકી, ૧૮ બોર અને ૧૦ હેન્ડપંપ દ્વારા સતત પાણી પુરવઠો અપાશે.

  • સ્વચ્છતા માટે ૨૦૦ સફાઈ કામદારો અને ૧૭ સુપરવાઈઝરો દ્વારા ૨૪ કલાક સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાશે. કચરાના નિકાલ માટે પિકઅપ વાન, જેસીબી, ટ્રેક્ટર અને ડમ્પર કાર્યરત રહેશે. આઠ સ્થળોએ વિનામૂલ્યે જાહેર શૌચાલયો (દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે અલગ વ્યવસ્થા સાથે), મોબાઈલ ટોયલેટ અને કુલ ૨,૫૨૨ શૌચાલયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

૩. સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત

  • કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આઠ ઝોનમાં ૪૦ પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે.

  • સુરક્ષા માટે ૭ ડીવાયએસપી, ૨૬ પીઆઈ, ૭૫ પીએસઆઈ, ૯૦૦ પોલીસ કર્મચારીઓ, ૫૦૦ હોમગાર્ડ, ૭૦૦ જીઆરડી, ૧ એસઆરપી કંપની અને ૧ એસડીઆરએફ પ્લાટૂન તૈનાત રહેશે.

  • બહારના વાહનો માટે ૪ એન્ટ્રી પોઈન્ટ, ૨ જાહેર પાર્કિંગ અને ૬ ખાનગી પાર્કિંગ બનાવાયા છે, તથા ભવનાથ વિસ્તારમાં વન-વે ટ્રાફિક અમલી રહેશે. સીસીટીવી લાઈવ ટેલિકાસ્ટ અને ૩ ઈમરજૂન્સી રૂટની સુવિધા સાથે ખાનગી વાહનો, ફટાકડા, ખુલ્લા ખાદ્યપદાર્થો અને ગંદકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગના સંકલનથી જંગલ રૂટ પર ૨૦ સ્થળોએ ડી.જી. સેટ સાથે હંગામી સિક્યુરિટી લાઈટિંગ અને હિંસક પ્રાણીઓની અવરજવરવાળા વિસ્તારોમાં વિશેષ પ્રકાશની વ્યવસ્થા કરાઈ છે. દત્ત ચોક ખાતે ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

૪. આરોગ્ય અને પરિવહન સેવાઓ

  • યાત્રિકોના સ્વાસ્થ્ય માટે ૧૧ કામચલાઉ દવાખાનાં, ૮ વધારાની મેડિકલ ટીમ, ૬ સ્થળોએ એમ્બ્યુલન્સ અને ૨ મોબાઈલ હેલ્થ યુનિટ તૈનાત કરાયા છે.

  • નાકોડા યુએચસી ખાતે વેન્ટિલેટર સહિતનું કામચલાઉ આઈસીયુ અને ટિંબાવાડી સીએચસી ખાતે દાખલ કરવાની સુવિધા ઊભી કરાઈ છે, જ્યાં વૃદ્ધ યાત્રાળુઓનું બીપી અને હૃદય સંબંધિત સ્ક્રીનિંગ થશે.

  • એસ.ટી. વિભાગ દ્વારા કુલ ૪૫૦ બસો દોડાવાશે, જેમાં ભવનાથ તળેટી માટે ૫૦ મીની બસ, મુખ્ય શહેરો માટે ૨૩૦ બસ અને અન્ય વિભાગની ૧૭૦ બસનો સમાવેશ થાય છે. બસ સ્ટેશન પર ક્યુ-લાઈન, રિઝર્વેશન કાઉન્ટર, ૧૦૦ ટકા જીપીએસ ટ્રેકિંગ અને ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત, વન વિભાગ દ્વારા ૭૦ જેટલી સંસ્થાઓને પ્રસાદ, અન્નક્ષેત્ર અને સદાવ્રત ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉના વર્ષોમાં વર્ષ ૨૦૨૨માં ૧૨.૧૯ લાખ, વર્ષ ૨૦૨૩માં ૧૬.૨૫ લાખ અને વર્ષ ૨૦૨૪માં ૭.૮૪ લાખ અંદાજિત યાત્રિકોએ પરિક્રમાનો લાભ લીધો હતો.