નવા વર્ષનો બીજો મહિનો ચાલુ થઈ ગયો છે. નવા વર્ષે લગ્નગાળો પણ ચાલુ થઈ ગયો છે. લગ્ન આવે એટલે ચાંદલો કરવાનો રીવાજ તો હોય જ. પરંતુ આ વર્ષે લગ્ન પ્રસંગે પુસ્તક સિવાય એક નવતર ભેટનું ચલણ જોવા મળી રહ્યું છે. તે છે રોપા ભેટમાં આપવાનું. જાણીને નવાઈ લાગશે પરંતુ એક ભારતીય કંપનીએ રોપા ભેટમાં આપવા માટે આકર્ષક ઑફર આપવાનું ચાલુ કર્યું છે, જેથી લોકોના ઘરમાં ગ્રીન હાઉસ ગેસ એમિશન સરભર થાય.મુંબઈ સ્થિત આ કંપની દાવો કરે છે કે તેણે ૨૪.૮ લાખ વૃક્ષો વાવ્યાં છે જે લગભગ દર વર્ષે ૫ કરોડ કિગ્રા કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે છે. એટલું જ નહીં, પરંતુ તેણે ૨.૦૫ લાખ દિવસોની રોજગારી પણ ઊભી કરી છે. આ કંપની વેબ આધારિત પણ છે. એટલે કે આજના આધુનિક ઇન્ટરનેટ આધારિત જમાનામાં તમે તેનો સંપર્ક વેબ પરથી પણ કરી શકો છો.આપણે સામાન્ય રીતે કોઈના જન્મદિને પુષ્પગુચ્છ અથવા બૂકે આપતા હોઈએ છીએ. આ બૂકેનું પછી કચરાપેટીમાં પધરાવવા સિવાય કંઈ થતું નથી. જોકે તે પણ ફૂલોના વેપારી માટે રોજગારીનું કારણ છે જ, આમ છતાં, પુષ્પગુચ્છ કરતાં પુષ્પ આપવું સારું. પુષ્પગુચ્છ તો પ્લાસ્ટિકમાં આવરાયેલો હોય અને તે ટેબલ એક દિવસ પૂરતો શોભાવે છે. અને ઘણી વાર તો એક દિવસ પણ નહીં, કારણકે તે વ્યક્તિને એક દિવસમાં આવા અનેક પુષ્પગુચ્છ મળતા હોય. એટલે સ્વાભાવિક જ ટેબલ ખાલી રાખવા તેણે પુષ્પગુચ્છને કચરાપેટીમાં પધરાવવો જ પડે.
આની સામે આ રોપાનો વિચાર સારો છે. જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે જો તમે રોપો આપો તો તે જો ભેટ સ્વીકારનાર વ્યક્તિ તેને બાગાયતની જાણકાર વ્યક્તિ પાસે અથવા પોતે જ્ઞાન મેળવીને પોતાના ઘરના બગીચામાં કે ગેલેરીમાં વાવે તો તેનાથી, જેમ ખિસકોલીએ રામ સેતુ બનાવવામાં મદદ કરી હતી તેવું કામ પર્યાવરણને થતું નુકસાન અટકાવવામાં ચોક્કસ થઈ શકે.
આ કંપની જાહેર જમીન પર જ વૃક્ષો વાવે છે અને તેમાં તે કોઈ કરચોરી કરતી નથી તેમ તેનો દાવો છે. તે એમ પણ દાવો કરે છે કે તે સરકારનો કોઈ ટેકો લેતી નથી. દર વર્ષે દરેક છોડનો હિસાબકિતાબ પણ રાખે છે. કોઈક છોડ કરમાઈ ગયો હોય તો તેના બદલે ફરીથી રોપો વાવે છે. નર્સરી માટે આદર્શ કદ ૨૦,૦૦૦ રોપાનું છે. અર્થાત્ એક નર્સરી કે બાગમાં તમે ૨૦,૦૦૦ રોપા વાવી શકો છો.
વૃક્ષો વાવવા એ હવામાન પરિવર્તન માટે એક ઉકેલ છે, કારણકે ઝાડવાં કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે છે અને બદલામાં ઑક્સિજન વાતાવરણમાં ફેલાવે છે. આ મહત્ત્વ સમજીને જ તો, છોડમાં રણછોડ છે તેવું સૂત્ર અપાયું હતું. ઉપરાંત તુલસી, બિલ્વપત્ર, રૂદ્રાક્ષ, લીમડો, પીપળો વગેરે વૃક્ષોને પવિત્ર ગણવામાં આવ્યાં હતાં.
વૃક્ષો વાવવાથી ન માત્ર પર્યાવરણને ફાયદો પહોંચે છે પરંતુ તેનાથી ગરીબોને, ગામડાઓને પણ રોજગાર મળી રહે છે.
આ કંપની ચોમાસામાં ઝાડ વાવે છે. તે ત્રાહિત કંપની કે વ્યક્તિને હિસાબકિતાબ રાખવાનું કહે છે જેથી આ રોપ ટકી રહે. આદિવાસી સહિતના સમુદાયો તેમની નજીકનાં ગામડાંઓમાં ઝાડ વાવવાની જવાબદારી આ કંપનીના કહેવાથી લે છે. ઝાડ વાવવાના વિસ્તારો પણ કાળજીપૂર્વક પસંદ કરાય છે. પસંદગીમાં પર્યાવરણ અને સામાજિક અસરોને ધ્યાનમાં રાખવામાં આવે છે.
એક અનુમાન પ્રમાણે, મોટું ઝાડ ૨૦.૩ કિગ્રા કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે છે અને તે જેટલો ઑક્સિજન બહાર કાઢે છે તેનાથી એક વર્ષમાં ચાર જણાના કુટુંબને પૂરતો ઑક્સિજન મળી રહે છે.
કોઈ પણ વ્યક્તિ માત્ર એક માઉસના ઈશારે કે આંગળીના ટેરવે છોડનો ઑર્ડર પોતાની ઑફિસ કે ઘરેથી આપી શકે છે. તેને વ્યક્તિગત રીતે ઇ-ટ્રી સર્ટિફિકેટ પણ મળે છે.
અગાઉ પણ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા વૃક્ષો વાવવાની ઝુંબેશને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો થયાં છે, પરંતુ તે અપેક્ષાકૃત ઓછા સફળ રહ્યા છે, ત્યારે જોઈએ કે વ્યવસાયિક રીતે આ કંપનીના પ્રયાસો કેટલા સફળ થાય છે. તે સફળ થાય કે ન થાય, તે કંપની પાસેથી રોપો ખરીદો કે ન ખરીદો, પરંતુ તમારા ઘરમાં જેટલાં શક્ય હોય તેટલા રોપા તો વાવવા જ જોઈએ.