ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું જાહેરનામું બહાર પડ્યું છે, એટલે કે આજે 14 નવેમ્બરને મંગળવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ ગઈ છે. અને 21 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટેનું મતદાન 9 ડિસેમ્બરે યોજાશે.
ગુજરાતમાં બે મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો યોજાશે. જો કે 14 નવેમ્બર સુધી ભાજપ કે કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી નથી. કોંગ્રેસ 16 નવેમ્બરે પોતાની પ્રથમ યાદી જાહેર કરશે, તેવી સત્તાવાર જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી હતી.
આજે નવી દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળનાર છે, જેમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામ અંગ મંથન થશે. તેમજ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કાલે બુધવારે મળશે, જેમાં પણ પ્રથમ તબક્કાના ઉમેદવારોના ફાઈનલ નામ પર ચર્ચા થશે. અને મંજૂરી મહોર મરાશે.
આ વખતે પ્રથમ તબક્કાના ઉમેદાવરોની યાદી જાહેર થાય તે પહેલા કોના નામ હશે તેનું સસ્પેશન હજી ચાલુ રહ્યું છે. જો કે ઉમેદવારી ફોર્મમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મની સાથે એફિડેવિટ સાથે પુરેપુરી જાણકારી આપવાની છે. તેની સાથે ફોટો ફમ લગાવવાનો છે. 22 નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે અને 24 નવેમ્બરે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે.