“દિવાળીનો તહેવાર એટલે સ્ત્રીઓને તો મજૂરી જ કરવાની. ઘર સાફ કરો, પાગરણને તડકો આપો, નાસ્તા બનાવો, રંગોળી, દિવા અને રોશનીની તૈયારી કરો, દિવસ-દિવસના શુકન સાચવો અને બધાને ભાવતું બનાવીને જમાડો- આ તે કઈ જિંદગી છે? અને તહેવાર કોને? પુરુષો, બાળકો અને વડીલોને જ ને? ઘરની વહુવારુને તો નહીંને?” આનલ તલ ખાંડતા ખાંડતા બબડી રહી હતી. કાલી ચૌદસ જેવો સપરમો તહેવાર હતો પણ આનલનો બબડાટ બંધ નહતો. ઘરમાં સાંભળનાર પણ કોઈ હાજર નહતું પરંતુ એનું તો એકધારું બબડવાનું ચાલુ હતું. ગેસ પર મૂકેલ તાવડો વરાળ લાધી રહ્યો હતો પણ એ વરાળ આનલના મગજમાંથી નીકળી રહી હતી.
આનલ પરણીને આવી ત્યારથી એણે જોયું હતું કે એના ખેતરમાં સ્વયંભૂ પ્રગટેલ હનુમાનજીને ચૌદસના દિવસે લાડુ અને તલવટ ધરવાનો રિવાજ હતો. આટલા વર્ષોમાં આ પરંપરા અકબંધ રહી હતી. આમતો વર્ષમાં એક જ દિવસ આ બધું કરવાનું હોય અને એમાં પણ પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભળે એ ખૂબ જરૂરી હોય, પરંતુ આનલને પહેલેથી જ આ બધી અંધશ્રદ્ધા અને કુરિવાજો લાગતા. પરણીને આવી ત્યારે શરૂઆતના વર્ષોમાં એ બધું જ ચૂપચાપ કરતી પરંતુ જેમ જેમ સમય જતો ગયો એમ એમ એ માથું ઉચકવા લાગી હતી. જો કે અંકિત આ બાબતમાં ખૂબ જ સ્ટ્રીકટ હતો. એનું ફરમાન હતું કે મને કમને પણ પરંપરા તો નિભાવવાની જ એટલે આનલ માટે આ બધું કર્યા સિવાય છૂટકો પણ ન હતો.
આનલ સમજણી થઈ ત્યારથી એના દાદીને અને પછી એના મમ્મીને ચૌદસની રાતે ચાર વડા અને પાણીનો કળશો લઈને ચોકમાં કકળાટ કાઢવા જતા જોતી. એ એમની સાથે પણ જતી અને કકળાટ કાઢવાની વિધિ રસપૂર્વક જોતી ત્યારથી એને કકળાટ કાઢવાની પરંપરા ગમવા લાગી હતી.
આનલ આ પરંપરા અચૂક જ જળવતી. અંકિત કહેતો પણ ખરો, “આનલ, તું આવી અંધશ્રદ્ધામાં માને છે? આમ ચોક વચ્ચે જઈને વડા ઉડાડવાથી કકળાટ જાય એમાં કોઈ લોજીક છે ખરું?” આનલ તરત જ ભડકતી, “તમને એ બધું નહિ સમજાય. વરસોવરસ જેમ ઘરમાંથી નકામો કચરો કાઢીએ છીએ એમ જ મનમાંથી પણ નકામો કચરો કાઢવો જોઈએ”.
સાંજે ઓફિસથી આવીને રોજની આદત મુજબ અંકિતે આનલને પૂછ્યું, ‘આજે આખો દિવસ શું કર્યું?’ બસ, આટલું સાંભળતાં જ આનલ ભભૂકી ઉઠી, ‘દિવસ આખો બાળકોએ, ” શું કરે છે? શું કરે છે?” ની બુમો પાડે રાખી અને હવે તમે હિસાબ માંગો. ખબર નથી આજે કાળી ચૌદસ છે? સવારથી બપોર રૂટિન કામ અને માંડ પરવારી ત્યાં નાહી ધોઈને ફરીથી આપણાં હનુમાનજીના થાળની તૈયારી. લાડુ,વડા, તલવટ..બધું કરવાનું એકલા હાથે ને હજી શ્વાસ પણ ન લીધો ત્યાં આ કકળાટના વડા બનાવવાના ને કકળાટ કાઢવા જવાનું…હુહ..આ તે કઈ જિંદગી છે? ને તો ય પાછું એમ કે આખો દિવસ કર્યું શું?’ આટલું બોલીને આનલ તો ચાલી ગઈ રૂમમાં.
બન્ને બાળકો અનન્યા અને અક્ષય સામસામે જોઈને સાંકેતિક હાસ્ય સાથે બિલકુલ ધીમા અવાજે અંકિતને કહેવા લાગ્યા, “પપ્પા, આ મમ્મી કયો કકળાટ કાઢવા જતી હશે? અને કકળાટ કાઢવા જાય છે કે લેવા એ જ અમને તો નથી સમજાતું. ને પપ્પા, અમને તો ખુદ મમ્મી જ સૌથી મોટો કકળાટ લાગે છે.” રાતે ભોજન બાદ અંકિતે આનલને પ્રેમથી સમજાવતા બાળકોએ કહેલી વાત જણાવતા અંકિત કહી રહ્યો હતો, “આનલ, પરંપરાઓ નિભાવવી જોઈએ એ હું પણ માનું છું પરંતુ એમાં તર્ક કે શ્રદ્ધા હોય તો જ. તારી આ કકળાટ કાઢવાની પરંપરામાં બેમાંથી કશું જ નથી. બાળકોની નજરમાં ‘કકળાટ’ બનીને જીવવા કરતાં જાતને તપાસીએ. આનુ, કકળાટ ઘરમાં નહિ, મનમાં હોય છે જો મનથી નીકળી જાય તો એ ઘરમાં ક્યારેય નથી પ્રવેશતો. આનલને આજે પહેલી વખત કાળી ચૌદસ આટલી રૂપાળી લાગી.