કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયા આ લોકપ્રિય ગુજરાતીઓ

છેલ્લા કેટલાક સમયથી ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024’ (Cannes Film Festival 2024) ખૂબ જ ચર્ચામાં રહ્યો. આ વર્ષે ભારતીય ઈન્ફ્લુએન્સર, એક્ટર્સ અને ડિરેક્ટરે તો જાણે ભારતનું ગૌરવ વધારી દીધું. કલકત્તાની અભિનેત્રી અનસૂયા સેન ગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે તો પાયલ કાપડિયાએ ડિરેક્શનમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે. ગ્લેમરથી ભરપૂર આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતીઓનો પણ પ્રભાવ રહ્યો. આ વર્ષે અભિનેત્રી રત્ના પાઠક શાહથી માંડીને મુંબઈના ઈન્ફ્લુએન્સરે રેડ કાર્પેટ પર પોતાનો જાદુ બતાવ્યો. આમ, તો કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતી ન પહોંચ્યા હોય, તે પછી બિઝનેસ હોય, મનોરંજન ક્ષેત્ર હોય કે રાજકીય. આપણે જાણીએ અત્યાર સુધી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા કયા ગુજરાતીનો જલવો રહ્યો?

રત્ના પાઠક શાહ

રત્ના પાઠક શાહ, નસીરુદ્દીન શાહ અને પ્રતીક બબ્બર સ્ટારર મંથન ફિલ્મ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં બતાવવામાં આવી હતી. જેના માટે ફિલ્મની સ્ટાર કાસ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રત્ના પાઠકનો જન્મ મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તે દિગ્ગજ અભિનેત્રી દિના પાઠકના પુત્રી છે. રત્ના પાઠક શાહ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી અને ડિરેક્ટર તરીકે સક્રીય છે. સિનેમાની સાથે સાથે રંગમંચ સાથે પણ તેમનો ગાઢ નાતો જોવા મળે છે.

વિરાજ ઘેલાણી

મુંબઈના ગુજરાતી ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી પણ સૂટ-બૂટમાં સજ્જ થઈ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતાં. ઈન્સ્ટાગ્રામ પર વિરાજ ઘેલાણીની અધધ ફેન ફોલોઈંગ છે. તેમણે `જવાન` અને `ગોવિંદા નામ મેરા` જેવી ફિલ્મોમાં કર્યુ છે. આ ઉપરાંત વિરાજે ગુજરાતી વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે અને હવે તે ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા તૈયાર છે.

આસ્થા શાહ

એવી પ્રથમ ભારતીય કોન્ટેન્ટ ક્રિએટર, જે પાંડુરોગ પીડિત હોવા છતાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શાન બની છે. મુંબઈની આસ્થા શાહે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક નવો ચિલો ચીતર્યો છે. તેણીએ શરીરમાં સફેદ ડાઘ સાથે રેડ કાર્પેટ પર વૉક કર્યુ હતું. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી આસ્થા સોશ્યલ મીડિયા પર વિટિલિગો વિશે જાગૃતિ ફેલાવે છે.

હેલી શાહ

ટીવી અભિનેત્રી હેલી શાહ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં રેડ કાર્પેટ પર શાનદાર અંદાજમાં જોવા મળી હતી. હેલીએ સ્વરાગિની, સુફિયાના પ્યાર મેરા અને ઈશ્ક મેં મરજાવાં 2 જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે.તેણીએ ‘કાયાપલટ’થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મનું પોસ્ટર કાન્સમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. અહીં નોંધવું રહ્યું કે હેલી શાહ ગુજરાતી છે અને તે મૂળ અમદાવાદની છે.

જુહી પારેખ

ફિલ્મ નિર્માતા જુહી પારેખ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022નો ભાગ બન્યા હતાં. તેણીએ પોતાની ફિલ્મ ‘સફેદ’ના ફર્સ્ટ લુકનું અનાવરણ ત્યાં કર્યુ હતું. આ ફિલ્મના તે સહ-નિર્માતા હતાં.

કોમલ ઠક્કર

મુળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરનારી પ્રથમ ગુજરાતી અભિનેત્રી છે. તેણીએ 2022માં ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીઘો હતો.