નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે ત્યારે દેશના વિકાસની ગતિનો મુદ્દો કેન્દ્રસ્થાને છે. નોંધનીય છે કે ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ નબળી માગના અભાવે સતત નીચે જઈ રહી છે અને અત્યારે છ વર્ષના સૌથી નીચલા સ્તરે છે. તેઓ જનતાનું માનસ સુધારનારાં અને દેશની પ્રગતિમાં ફરી વિશ્વાસ જગાવનારાં કયાં પગલાં ભરે છે એ તો બજેટના દિવસે જ ખબર પડશે, પણ અહીં આપણે બજેટ સમયે ચર્ચાતા રાજકોષીય ખાધના મુદ્દાની વાત કરીએ.
સામાન્ય રીતે બજેટ ત્રણ પ્રકારનાં હોય છે. એક, સંતુલિત; બે, ખાધ ધરાવતું અને ત્રણ, પુરાંત ધરાવતું. સરકાર આગામી નાણાકીય વર્ષમાં કેટલી આવકનો અને કેટલા ખર્ચનો અંદાજ ધરાવે છે તેના આધારે ઉક્ત ત્રણમાંથી એક પ્રકારનું બજેટ તૈયાર થાય છે.
દરેક નાણાકીય વર્ષની પહેલાં સરકાર લોકસભામાં બજેટ રજૂ કરે છે. બજેટ તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસનો માર્ગ નક્કી કરવાનો, ગરીબી અને બેરોજગારી ઘટાડવાનો, અસમતુલા ઓછી કરવાનો, સ્રોતોની યોગ્ય ફાળવણી કરવાનો, ફુગાવો કાબૂમાં રાખવાનો અને આર્થિક સ્થિરતા લાવવાનો તથા સુવહીવટ કરવાનો હોય છે. વિકાસશીલ દેશોમાં સરકારો આર્થિક વિકાસની યોજનાઓ માટે નાણાં મળી રહે એ હેતુથી કરજ લે છે. સરકારી કરજ એક રીતે આવશ્યક હોય છે, કારણ કે આર્થિક વિકાસ માટે મોટાપાયે નાણાંની જરૂર પડતી હોય છે.
નાણાં ઉભાં કરવા માટે જો ઉંચા કરવેરા લાદવામાં આવે તો લોકોની બચત અને રોકાણ ઘટી જાય તથા ફુગાવો હદની બહાર નીકળી જાય છે. જોન મેનાર્ડ કેન્સ નામના અર્થશાસ્ત્રીએ ખાધ ધરાવતા બજેટની તરફેણ કરી હતી. આવી ખાધને રાજકોષીય ખાધ કહેવાય છે. તેમનું કહેવું હતું કે બેરોજગારીને ઘટાડવા માટે એ ઉપાય જરૂરી છે. કેન્સિયન ઈકોનોમિક્સ આજે પણ કૉલેજોમાં શીખવવામાં આવે છે. કેન્સે 1930ના દાયકામાં આવેલી મહામંદી વખતે પોતાની થિયરી રજૂ કરી હતી. તેમનું કહેવું હતું કે સરકારે અર્થતંત્રને ધીમી ગતિમાંથી બહાર લાવવા માટે માગને પ્રોત્સાહિત કરવી જોઈએ. તેના માટે સરકારે કરવેરા ઘટાડવા જોઈએ તથા સરકારી ખર્ચ વધારવો જોઈએ. વર્તમાન સંજોગોને જોતાં આ વખતે ભારતમાં તેમની થિયરીને અનુસરવામાં આવે છે કે કેમ એ જોવાનું રહેશે. કેન્સના મતે ગ્રાહકોની માગ જ અર્થતંત્રને ધબકતું રાખે છે. આથી જ તેમની થિયરી રાજકોષીય ખાધની તરફેણ કરે છે. કેન્સિયન થિયરીનો ગેરફાયદો એ છે કે તેમણે સૂચવેલાં પગલાંથી ફુગાવો વધવાનું જોખમ રહેલું છે.
સરકારે બજેટમાં રાખેલી ખાધને પૂરવા માટેના બે રસ્તા હોય છે. એક, બજારમાંથી કરજ લેવું અને સરકારી કરજ વધારવું. બે, વધુ કરન્સી નોટ છાપવી.
સરકાર જ્યારે આવક કરતાં વધુ ખર્ચ કરવાનું નક્કી કરે તેને ખાધ ધરાવતું બજેટ કહેવાય. સરકારે ઘડેલા આવા બજેટને કારણે સરકારનું કરજ વધી જાય છે. ભારતમાં તો વર્ષોથી કરવેરાની કુલ આવક કરતાં સરકારી ખર્ચ વધારે હોય છે. તેને લીધે ખાધ હોય જ છે. ઘણાં વર્ષોમાં બજેટમાં અંદાજિત ખાધ કરતાં પણ વધારે ખાધ વાસ્તવમાં આવી જાય છે.
વર્તમાન નાણાકીય વર્ષ માટે કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલે પ્રકાશિત કરેલા આંકડાઓ મુજબ પ્રથમ આઠ મહિનામાં જ ખાધ અંદાજિત ખાધના 115 ટકા થઈ ગઈ છે. ગત નવેમ્બરના અંતે ખાધનું પ્રમાણ 8.07 ટ્રિલ્યન રૂપિયા હતું, જે તેની પહેલાંના આખા વર્ષની ખાધ કરતાં 1 ટ્રિલ્યન રૂપિયા એટલે કે 13 ટકા વધારે હતું.
રાજકોષીય ખાધ વધી જાય ત્યારે તેની પાસે આવક વધારવા માટેનો એક રસ્તો કરવેરા સિવાયની આવક પ્રાપ્ત કરવાનો હોય છે. આ વખતે આવક સરકારી કંપનીઓ (જેમાં સરકારી બૅન્કો પણ આવી જાય) પાસેથી ડિવિડંડ દ્વારા, રાજ્યોને ઓછાં નાણાં આપીને, ટેલીકોમ કંપનીઓ પાસેથી લેણી નીકળતી રકમની વસૂલી કરીને તથા કાનૂની ઝઘડામાં સપડાયેલી રકમ પ્રાપ્ત કરીને મેળવી શકાશે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ હતી. તેની પહેલાંના વર્ષે પ્રથમ આઠ મહિનામાં અંદાજના 86 ટકા જેટલી જ ખાધ થઈ હતી.
વર્તમાન નાણાકીય વર્ષ માટેની રાજકોષીય ખાધ અંદાજિત 7.03 લાખ કરોડ રૂપિયા છે. આ રકમ કુલ રાષ્ટ્રીય પેદાશના 3.3 ટકા જેટલી થાય છે. જો ખાધ વધારે થાય તો સરકારની આવકમાંથી ઘણી મોટી રકમ કરજનું વ્યાજ ચૂકવવામાં વપરાઈ જાય છે. સરકારે વિવિધ મંત્રાલયોને ખર્ચવા માટે જે રકમ ફાળવી હોય તેમાંથી જો કોઈ રકમ વપરાયા વગરની પડી હોય તો તેનો ઉપયોગ કરવાની અને બાકીના ખર્ચ ઘટાડવાની જરૂર પડે છે.
આ વખતના બજેટમાં વ્યક્તિગત કરવેરાના દરમાં કપાત મૂકવામાં આવશે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. ઉપરાંત, સરકાર ફુગાવાને કાબૂમાં રાખવા માટેનાં પગલાં ભરશે, હાઉસિંગ સ્કીમ્સને કરવેરાના લાભ આપશે, આવશ્યક ચીજવસ્તુઓ પરનો જીએસટીનો દર ઘટાડશે, વ્યાજના દર ઘટાડશે તથા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ, ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ, જેવા કરવેરામાં રાહત આપશે એવું મનાય છે.
ટૂંકમાં નરેન્દ્ર મોદીની બીજી વારની સરકારનું આ વખતનું બજેટ બનાવવાની કામગીરી અત્યાર સુધીનાં તેમનાં અત્યાર સુધીનાં તમામ બજેટ કરતાં વધુ કપરી બની રહી છે.
(ખ્યાતિ મશરૂ-વસાણી, ચાર્ટર્ડ વેલ્થ મૅનેજર)