ટિકીટ નહીં મળતાં વરિષ્ઠ નેતાઓનો ગણગણાટ વધ્યો

ગાંધીનગર–  આગામી ડીસેમ્બર માસમાં બે તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઇ ગઈ છે. સોમવાર મોડી સાંજ સુધી મુખ્ય બે રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઇને કેટલીય બેઠકો ઉપર ભારે ધાંધલધમાલ જોવા મળી હતી.
તો ભાજપ કોંગ્રેસ બેયમાંથી ખૂબ જ વરિષ્ઠ એવા કાર્યકરો પક્ષમાંથી રાજીનામાં આપી ક્યાંક અપક્ષ ઉમેદવારી નોંધાવે છે. હવે સત્તાવાર ઉમેદવારોને હરાવવાની પ્રક્રિયાનો આરંભ થઇ ચૂક્યો છે.આ વખતે ભાજપ સરકારમાં રાજ્યપ્રધાન રહી ચૂકેલાં બિમલ શાહે કપડવંજ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તો બીજી તરફ વિરમગામમાંથી પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ પણ ભાજપ સાથે છેડો ફાડી પ્રજાના સમર્થન સાથે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત બંને મુખ્ય રાજકીય પક્ષોમાં 40 કરતા વધારે બેઠકો ઉપર ધમાલ જોવા મળી છે. કોંગ્રેસમાં અમદાવાદની બેઠક માટે ટિકીટ મેળવવાની ધમાલ પણ જોવા મળી હતી હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલા સહિતના ઘણાં ઉમેદવારોને ટિકીટ અપાઇ તેનો ભારે વિરોધ થયો છે. આવી ધમાલને લઇને પક્ષે ગુપચૂપ ટેલિફોનિક મેન્ડેટ આપી છેલ્લી ઘડીએ ફોર્મ ભરાવી દીધાં છે પરંતુ કાર્યકરોનો ઠંડો પ્રતિભાવ ખાળવો અઘરો બનશે.
તો જૂના સાંસદો અને વિધાનસભામાં અગાઉ ચૂંટણી હારી ગયેલા વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવતાં અંદરોઅંદરની નારાજગી ટિકીટ મેળવી લેનારા નેતાઓને મુશ્કેલીનો અનુભવ કરાવશે તે નક્કી છે.