વિક્રમ સંવત 2075માં કુંભ રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

કુંભ:

કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ નોકરી અને વ્યવસાય ક્ષેત્રે ખાસ પ્રગતિદાયક રહે તેવી ભરપુર સંભાવનાઓ છે. વ્યવસાયમાં અનેકવિધ રીતે તમે નવા સાહસ ખેડી શકશો. નવીન ઉર્જા સાથે બિલકુલ નવી પ્રણાલી સાથે કાર્ય કરવાનું બની શકે. લાભ ભાવે શનિની સ્થિતિ ખુબ જ નસીબવંત છે. આર્થિક બાબતોમાં તમે હરણફાળ ભરો તેવું બની શકે.

માર્ચ ૧૯ પછી રાહુ પંચમ ભાવે આવતા સંતાન વિષયક બાબતો તથા નાણાકીય રોકાણ બાબતે તમે વધુ સતર્ક બનશો. યુવાનોને પ્રેમ પ્રસંગમાં અણધાર્યો વળાંક આવી શકે, પ્રેમ પ્રસંગમાં ધીરજ પૂર્વક નિર્ણય લેવો હિતાવહ રહેશે. મે જુન ૧૯ દરમ્યાન રાહુ અને મંગળનું પંચમ ભાવે મિલન, આ સમય દરમ્યાન સંતાન વિષયક બાબતોમાં ઉતાર ચઢાવ આપી શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓને આ સમય દરમ્યાન અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડી શકે છે.

એપ્રિલ ૧૯ અને ઓક્ટોબર ૧૯ દરમ્યાન મંગળનું ભ્રમણ અનુક્રમે ચતુર્થ અને અષ્ટમ ભાવે થશે, આ દરમ્યાન સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું પડી શકે. વર્ષ દરમ્યાન વાહન અને મકાન વિષયક નિર્ણય લઇ શકાશે. 

 

નીરવ રંજન